વડોદરા : કોરોના વાઈરસના આજે વધુ ૧૦ કેસ નોંધાયા, પોઝિટિવ કેસની સંખ્યા વધીને ૨૦૭ ઉપર પહોંચી
રખેવાળ, વડોદરા
વડોદરા શહેરમાં કોરોના વાઈરસના વધુ ૧૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા વધીને ૨૦૭ ઉપર પહોંચી ગઇ છે. નાગરવાડા, કારેલીબાગ, રાજમહેલ રોડ, રાવપુરા અને ન્યાયમંદિર વિસ્તારમાં પોઝિટિવ કેસો નોંધાયા છે. વડોદરા શહેર-જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઈરસથી ૧૦ લોકોના મોત થયા છે.
મંગળવારે રાત્રે વડોદરા જિલ્લાના કરજણના ૬૩ વર્ષીય ગોવિંદભાઇ શનાભાઇ વણકરનું કોરોના વાઈરસથી મોત થયું હતું. ૨૦ એપ્રિલના રોજ તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. ગોવિંદભાઇ વણકર નામના આ વૃદ્ધે કોઇ પ્રવાસ નહોંતો કર્યો કે ન તો કોઇ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવાની જાણ થઇ હતી. તેમની તબિયત સોમવારથી જ બગડી હતી. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી મંગળવારે સવારે તેમને ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, ગોત્રી કોરોના હોસ્પિટલ ખાતે સોમવારે રાત્રે ભરૂચ જિલ્લાના ૪૧ વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.