નિખિલ સવાણીનાં ગંભીર આરોપઃ પોલીસ ફરિયાદ લેતી નથી, FIRમાંથી નામ કઢાવવા કરી રૂપિયાની ઓફર

ગુજરાત
ગુજરાત

અમદાવાદના પાલડીમાં એબીવીપીના આતંકમાં NSUIના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણીએ અમદાવાદ પોલીસ ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે. એબીવીપીના હુમલામાં લોહીલુહાણ થયેલ નિખિલ સવાણીને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ડિસ્ચાર્જ થયા બાદ નિખિલ સવાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધતાં કહ્યું કે, એફઆઈઆરમાંથી ઋત્વિજ પટેલ અને પ્રદીપસિંહનું નામ કઢાવા માટે પોલીસે પૈસાની ઓફર કરી હતી.
 
પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં નિખિલ સવાણીએ કહ્યું કે, મારા સહિત NSUIનાકાર્યકરો પર હુમલા એ પૂર્વાયોજિત ષડયંત્રનો એક ભાગ હતો. અને તેનો દોરીસંચાર ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ અને પૂર્વ પ્રમુખ પ્રદીપસિંહ વાઘેલાએ કર્યો હતો. તે દિવસે જે થયું તે કાંઈ અચાનક વણસેલી વાત નહોતી. ABVPના નેતાઓ અને કાર્યકરોએ અગાઉથી જ ષડયંત્ર રચી રાખ્યું હતું કે કોને ટાર્ગેટ કરવા અને કોને પતાવી દેવા. હું રેલીમાં NSUIના કાર્યકરો સાથે હતો તે સમયે જ પ્રદીપસિંહ એકાએક મારા તરફ ધસી આવ્યા હતા અને કહ્યું હતું કે, તું જ નિખિલ નેપ મેં હા પાડી એટલે તેમણે મારો કોલર પકડીને મારા માથામાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હું લોહી નિતરતી હાલતમાં હતો અને કાંઈ સમજું તે પહેલાં જ પ્રદીપસિંહ અને સાગરીતો ખસી ગયા અને પછી મહિલાઓ મારા તરફ ધસી આવી હતી.
 
આ ઉપરાંત નિખિલ સવાણીએ જણાવ્યું કે, NSUIનાં કાર્યકરોને જે રીતે ABVPના ગુંડાઓએ નિશાન બનાવ્યા અને જેટલી ઝડપથી તેઓ પાઈપો-લાકડીઓ અને ધોકાઓ લઈને આવી પહોંચ્યા તે પરથી સ્પષ્ટ થાય છે કે આ હુમલાનું કાવતરું અગાઉથી જ ઘડવામાં આવ્યું હતું. ઋત્વિજ પટેલ અને પ્રદીપસિંહ જ આ હુમલાના મુખ્ય કાવતરાખોર હતા. તેમણે જ આગલી રાત્રે ABVPના કાર્યાલયમાં હથિયારો ભેગા કરાવ્યા હતા. પોલીસને પણ અગાઉથી જ બ્રિફ આપી દેવામાં આવી હતી કે ABVPના કાર્યકરોને સપોર્ટ કરવાનો છે. આ કારણથી જ પોલીસે પણ NSUIના કાર્યકરોને જ નિશાન બનાવ્યા હતા.
 
તો પોલીસ પર ગંભીર આરોપ લગાવતાં સવાણીએ કહ્યું કે, હું જ્યારે લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ગયો ત્યારે ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ મારી પાસે દોડી આવ્યા હતા. તેમણે મને કહ્યું હતું કે, કોઈ પણ ભોગે ફરિયાદમાંથી ઋત્વિજ અને પ્રદીપસિંહનું નામ કાઢી નાંખવું પડશે. આ માટે તારે જે જોઈતું હોય તે અમે આપવા તૈયાર છીએ. તારે જે મદદ જોઈએ, જે ફેસિલિટી જોઈએ, રૂપિયા જોઈએ તો રૂપિયા બોલપ જે જોઈએ તે આપવા તૈયાર છીએ. પણ આ ફરિયાદમાંથી ગમે તે ભોગે આ બંનેના નામ કાઢવા જ પડશે.
 
તો એફઆઈઆઈ અંગે સવાણીએ કહ્યું હતું કે, આ સમગ્ર મામલે પોલીસની ભૂમિકા પર જ પ્રશ્નો થાય છે. એક તો પોલીસ તે સમયે ત્યાં હાજર હતી અને ABVPના ગુંડાઓ અમને મારી રહ્યા હતા ત્યાં સુધી પોલીસે કશું કર્યું નહોતું. જ્યારે NSUIના કાર્યકરોએ સ્વબચાવ કર્યો તો પોલીસ ઊલટાનું અમારી પર તૂટી પડી. હવે પોલીસ સરકારની સ્ક્રીપ્ટ મુજબ જ કામ કરે છે અને અમારી તો ફરિયાદ પણ લેતી નથી. કોઈની ફરિયાદ જ ન નોંધાય તે ક્યાંની લોકશાહી કહેવાય?

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.