સૌથી વધુ કેસ અને મોતના મામલે દેશમાં ગુજરાત બીજા નંબરે, ૨૪ કલાકમાં ૨૩૯ પોઝિટિવ કેસ, કુલ ૯૦ લોકોના મોત
ગાંધીનગર : રાજ્યમાં મંગળવારે કોરોનાના કુલ ૨૩૯ કેસોના ઉમેરા સાથે હાલ કુલ આંકડો ૨,૧૭૮ પર પહોંચ્યો છે. આ દરમિયાન ૧૯ લોકોના મોત સાથે કુલ આંકડો ૯૦એ પહોંચ્યો છે. અત્યાર સુધીમાં ૨૪ કલાકની અંદર સૌથી વધુ મોત નોંધાયા હોય તેવો આ કિસ્સો છે. તેમાંય અમદાવાદમાં જ ૧૫ મૃત્યુ નોંધાતા સરકારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જોકે રાજ્ય સરકાર હજુ દાવો કરે છે કે જે લોકો અન્ય બીમારીથી પીડાતા હોય તેઓ માથે જોખમ વધુ છે.
૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવી આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું કે, મૃત્યુનો દર અને ચેપનો ફેલાવો ઓછો કરવા માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. ક્રિટિકલ કંડિશનમાં હોય તેવા અમદાવાદના બે દર્દીઓને ભારતીય તબીબી સંશોધન પરિષદની મંજૂરી બાદ પ્લાઝમાં ચઢાવવામાં આવ્યા છે. એસવીપી હોસ્પિટલમાં એક મહિલા અને એક પુરુષ પર પ્રાયોગિક રીતે આ પદ્ધતિનો અમલ કર્યો છે અને તેના સારા પરિણામો પ્રાપ્ત થશે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે ૮ દર્દીઓને સાજા થયા બાદ રજા અપાઈ હતી અને અત્યાર સુધીમાં કુલ ૧૩૯ દર્દીઓ સાજા થઈ ઘરે ગયા છે. મોટી ઉંમરના અને હૃદય, શ્વસનતંત્ર, કીડની, ડાયાબિટીસ, લીવર જેવી બિમારી ધરાવતા લોકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી તેમને ચેપ લાગ્યા બાદ મુશ્કેલી પડે છે. એટલે કોઇપણ વ્યક્તિમાં કોરોનાના લક્ષણો દેખાય તો વાર ન લગાડતાં તરત જ દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ. અત્યાર સુધીમાં કોરોનાથી બચીને રહેલા વલસાડ, તાપી અને નવસારીમાં પણ હવે કોરોનાએ પગપેસારો કર્યો છે.