કડીમાં ચાલુ મોબાઇલે રોડ ક્રોસ કરતાં યુવાનનું માથું એસટીના ટાયર નીચે કચડાતાં મોત

ગુજરાત
ગુજરાત

મહેસાણા
       કડીના રાજપુર બસ સ્ટેન્ડ નજીક વતનમાં રહેતી બહેન સાથે મોબાઇલ પર વાત કરતાં રસ્તો ક્રોસ કરી રહેલા યુવાનનું એસટી બસના ટાયર નીચે કચડાતાં મોત થયુ હતુ. ટાયર નીચે માથુ છુંદાયેલ હાલતમાં રોડ વચ્ચે પડેલા યુવાનને જોઇ નંદાસણ પોલીસને જાણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક ઝારખંડમાં તેની બહેન સાથે મોબાઇલ પર વાત કરતો હતો, ૬ મહિના અગાઉ ધુમાસણ રોડ પર કંપનીમાં મજૂરી અર્થે આવ્યો હતો.ઝારખંડનો મહેન્દ્ર સુરેન્દ્ર બીરૂવા (૪૫) ૬ મહિના અગાઉ ધુમાસણ રોડ પર આવેલી કંપનીમાં મજૂરીકામે આવ્યો હતો અને અહીં જ રહેતો હતો. ઉત્તરાયણમા અન્ય મજૂરો સાથે વતનમાં જવાનુ ટાળીને અહીં જ રોકાઇ ગયો હતો. મહેન્દ્ર ગત ૧૫ જાન્યુઆરીએ સાંજે ૬.૩૦ વાગ્યે તેની બહેન સાથે મોબાઇલ પર વાતચીત કરતો રાજપુર પાટિયા પાસે રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે મહેસાણાથી અમદાવાદ તરફ જતાં હાઇવે પર જીજે.૧૮ ઝેડ૬૫૩૭ નંબરની અજમેર-અમદાવાદ એસટી બસની ટક્કરે તે ફંગોળાયો હતો અને બસના ટાયર નીચે આવી જતા માથુ છુંદાઇ જતા ઘટના સ્થળે જ મોત થયુ હતુ. જ્યારે બીજીબાજુ મોબાઇલ પર સામે છેડે વાતચીત કરી રહેલી તેની બહેનને અકસ્માત થયાનુ જણાતા મૃતકના મિત્ર ઇરફાન ચૌહાણનો સંપર્ક કર્યો હતો. ઘટનાસ્થળે ભેગા થયેલા લોકોએ નંદાસણ પોલીસને જાણ કરતાં બનાવ સ્થળે પહોંચેલી પોલીસે લાશનુ પીએમ સહિતની કાર્યવાહી હાથધરી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.