સુરતમાં હાર્દિકની પત્નીની ગેંગસ્ટર સૂર્યા મરાઠીએ નવરાત્રિમાં કરેલી છેડતીનો બદલો હત્યામાં પરિણમ્યો

ગુજરાત
ગુજરાત

સુરતઃ વેડ રોડ પર ગુનાખોરીનો પર્યાય બની ગયેલા ગેંગસ્ટર સુર્યા મરાઠીનું ગત રોજ તેની જ ઓફિસમાં હત્યા કરવામાં આવી છે. સૂર્યાની હત્યા કરવા એક સમયનો તેનો સાગરિત હાર્દિક પટેલ બીજા ૭ જણા સાથે આવ્યો હતો અને સૂર્યા મરાઠી પર ૫૦થી વધુ ઘા કરીને હત્યા કરીને નાસી ગયા હતા. સુર્યાએ સામે પ્રતિકાર કર્યો હતો તેમાં હાર્દિકને જાંગના ભાગે ઇજા થઈ હતી. તેથી હાર્દિકનું પણ મોત નિપજ્યું હતું. પોલીસ દ્વારા સૂર્યા મરાઠીએ હાર્દિકની પત્નીની કરેલી છેડતીના કારણે હત્યા કરવામાં આવી હોવાનું શક્યતાના પગલે તપાસ હાથ ધરી છે. જ્યારે એક જમીનના વિવાદમાં પણ હત્યા કરવામાં આવી હોવાની શક્યતાને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
 
વેડરોડ પર અખંડ આનંદ કોલેજ સામે ત્રિભોવન નગરમાં સાંઈરથ એપાર્ટમેન્ટમાં સુરેશ ઉર્ફ સૂર્યા મરાઠી શ્રીરામ પવાર( ૩૬ વર્ષ) પરિવાર સાથે રહતો હતો. ૨૦૧૬થી મનુ ડાયાની હત્યાના ગુનામાં સૂર્યા મરાઠી જેલમાં હતો. આ દરમિયાન સૂર્યાની ગેંગના ખાસ હાર્દિક પટેલે સૂર્યા ગેંગની કમાન સંભાળી હતી. પાંચેક દિવસ પહેલા પહેલા સૂર્યા જેલમાંથી નિર્દોષ છૂટ્યો હતો. બુધવારે સૂર્યા મરાઠી ઓફિસમાં એકલો હતો. ત્યારે બપોરે ૧.૨૨ મિનિટે હાર્દિક તેના સાગરિતો રાહુલ, સતીષ, સાહિલ, વીકી અને અન્ય બે જણા સાથે ચપ્પુ લઈને આવીને સૂર્યા પર ઘા કર્યા હતા. દરમિયાન સૂર્યાએ પ્રતિકાર કરીને સામે ચપ્પુ મારતા હાર્દિકને જાંગ ભાગે ઇજા થઈ હતી. સૂર્યાને આગળના ભાગે ૨૮, પાછળના ભાગે ૨૨ એમ કુલ ૫૦ ઘા મારી આરોપીઓ ભાગી ગયા હતા. સૂર્યાના સાથી તેને મહાવીર હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં તેનું મોત નિપજ્યું હતું. બીજી તરક હાર્દિક તેના સાગરિત સાથે બાઇક પર ભાગ્યો હતો. તે ત્રિભોવન નગરથી એકાદ કિલોમીટર દૂર કોઝ વે તરફ રિધ્ધી-સિધ્ધી સોસાયટીથી આગળ હાર્દિક બાઇક પરથી નીચે પડતા તેનો સાગરિત તેને છોડીને નાસી ગયો હતો. ત્યાં જ હાર્દિકના હાથમાંથી ચપ્પુ પણ પડ્યુ હતું. ત્યારબાદ હાર્દિકને ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા ત્યાં તેનું મોત નિપજ્યું હતું.
 
ચોકબજાર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ.એ.ચૌધરીએ જણાવ્યું હતું કે નવરાત્રિમાં સૂર્યા પેરોલ પર છૂટ્યો હતો. ત્યારે હાર્દિકની પત્નીની છેડતી કરી હતી તેના કારણે બંને વચ્ચે મનદુખ થયું હતું. તેના કારણે જ હત્યા થઈ હોવાની સંભાવના છે.
 
હાર્દિકની પત્નીએ જણાવ્યું હતું કે, છેલ્લા સાત દિવસથી હાર્દિક ઘરે આવતો ન હતો. આજે સવારે વાત મળી કે સૂર્યા મરાઠીની ઓફિસ પાસેથી નીકળતા હશે. ત્યારે તેની સાથે મગજમારી થઈ છે. આગળ નવરાત્રિમાં પણ સૂર્યા મરાઠીએ મારી છેડતી કરી હતી. તેમાં હાર્દિક અને સૂર્યા મરાઠીની મગજમારી થઈ હતી. મારી છેડતી કરતા અમે લોકોએ ત્યાંથી ઘર ખાલી કરીને બાજે રહેવા લાગ્યા હતા. ગત રોજ સવારે કહ્યું કે, બે દિવસમાં આવીશ. પછી બપોરે મે ફોન કર્યો ત્યારે કહ્યું કે તેને વાગ્યું છે.
 
મુળ મહારાષ્ટ્રના રત્નાગીરીનો સૂર્યા મરાઠી સુરતમાં વર્ષોથી રહે છે. પરિવારમાં પત્ની ઉપરાંત બે દીકરીઓ છે. માતા-પિતા વતનમાં રહે છે. શરૂમાં રત્નકલાકાર પછી રિક્ષા ફેરવતો હતો. પછી ફરી રત્નકલાકાર બન્યો હતો. મારામારીથી ગુનાખોરીની શરૂઆત કરી હતી. શરૂઆતમાં મારામારી કરીને જેલથી છૂટતો તેથી લોકો તેનાથી ગભરાવવા લાગ્યા હતા. ત્યારબાદ જમીનના ધંધામાં પડ્યો તેના વિરુદ્ધ હત્યાના બે ગુના નોંધાયા હતા.
 
હાર્દિક પટેલ પણ પાંચેક વર્ષથી ગુનાખોરીની દુનિયામાં સક્રિય થયો હતો. તે શરૂમાં મારામારી જેવા સામાન્ય બનાવમાં સંડોવાયેલો હતો. તે પણ વેડરોડ વિસ્તારમાં હોવાથી સૂર્યાના પરિચયમાં આવ્યો હતો. તે સૂર્યા મરાઠી માટે કામ કરવા લાગ્યો હતો. તેના વિરુદ્ધમાં માત્ર હત્યાની કોશિષનો એક ગંભીર ગુનો નોંધાયો છે. ત્યારબાદ તો સૂર્યાના નામથી લોકોમાં ધાક જમાવવા લાગ્યો હતો.
 
૨૦૧૬માં મનુ ડાહ્યાની હત્યા કેસમાં સૂર્યા મરાઠી જેલમાં હતો. તેની ગેર હાજરીમાં સૂર્યાનો ખાસ ગણાતો હાર્દિક પટેલ તેની ગેંગ ઓપરેટ કરતો હતો. છેલ્લા ચાર વર્ષમાં હાર્દિકે ઘણા કામ ગેંગ વતી કર્યા હતા. પરંતુ નવરાત્રિમાં સૂર્યાએ હાર્દિકની પત્નીની છેડતી કરી ત્યાર બાદ હાર્દિક અને સૂર્યા વચ્ચે અંતર વધવા લાગ્યું હતું. ત્યાર બાદ હાર્દિક સૂર્યાના ખાસ ગણાતા બિલ્ડર સાથે પણ રૂપિયાના મુદ્દે બબાલ કરી હતી. હવે સૂર્યા છૂટ્યો ત્યાર પછી તે હાર્દિક પાસે નવરાત્રિ પછીનો હિસાબ માંગતો હતો. બીજી તરફ હાર્દિકને તેની પત્નીની સૂર્યાએ છેડતી કરી હોવાથી સૂર્યા પ્રત્યે રોષ હતો. હાર્દિક અને તેના સાગરિતો વિરુદ્ધ સૂર્યાના ખાસ ગણાતા અમોલ ઝીણેએ સૂર્યાની હત્યા બાબતે ફરિયાદ નોંધાવી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.