સુરતમાં વધુ એકના મોતથી મૃત્યુઆંક ૫૮, પોઝિટિવ કેસનો આંક ૧૨૭૬ પર પહોંચ્યો.
સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની કુલ સંખ્યા ૧૨૭૬ થઈ ગઈ છે. વધુ એકનું મોત થતા આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક ૫૮ થઈ ગયો છે. ગતરોજ વધુ ૨૯ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધી શહેર જિલ્લામાં કુલ ૮૫૨ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ગયા છે. નવા સામે આવેલા પોઝિટિવ કેસોમાં ફરી ૨ શાકભાજી વિક્રેતા અને ૨ કારીયાણા દુકાનદારો પોઝિટિવ આવતા પાલિકાની ચિંતામાં વધારો થયો છે. તે ઉપરાંત પાલિકા કર્મચારી અને જ્વેલર્સ તેમજ લાજપોર જેલના કેદીનો પણ સમાવેશ થયો છે.
ગોપીપુરા ખાતે મોમનાવાડમા રહેતા ૫૦ વર્ષીય બેતુલ્લા રમઝાન અલી પાસા ગત ૧૯ મીએ શ્વાસ સહિતની તકલીફ થતાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં તેમનામા કોરોનાના લક્ષણો દેખાતા સેમ્પલ લઇને લેબોરેટરીમાં મોકલ્યા હતા બાદમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન રાત્રે તેમનુ મોત નિપજયું હતું. જોકે બેતુલ્લાને કિડનીની તકલીફ અને ડાયાબિટીસની બીમારી હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું.
લાજપોર જેલમાં સજા ભોગવતા વધું એક કેદીનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. લાજપોર જેલમાં સજા કાપી રહેલા કેદી નવલા વાલીયા વસાવા (૬૦) ને કોરોનાના લક્ષણ જણાતા તેની તપાસ કરાવવામાં આવી હતી. ગુરૂવારે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
પાલિકાના કર્મચારીઓમાં સંક્રમણ વધી રહ્યુ છે. પાલિકાના એસઆઇ, એસએસઆઇ, સફાઇ કર્મચારી સહિત અત્યાર સુધીમાં ૧૫થી વધુ કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે. વરાછા ઝોન-બીમાં દબાણ ખાતાના ડેપો પર કામ કરતા સુનિલ પરેશ રાણા (ઉ.વ.૩૩)ને શંકાસ્પદ લક્ષણો બાદ ગુરૂવારે તેમનો કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
વરાછા ઉમિયાધામ રોડ મારૂતિ કોમ્પલેક્સમાં રહેતા કેતન વિઠ્ઠલભાઇ કોઠાણી (ઉ.વ.૪૦) જવેલરીનો વેપાર કરે છે. રાજકોટ વેપાર કરતા કેતનભાઈને શંકાસ્પદ લક્ષણો બાદ ગુરૂવારે તેમનો કોરોનાનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
ગોડાદરા કેશવનગરમાં રહેતા કૈલાશભાઇ શંકર સોનવણે (ઉ.વ.૪૦)ઘરે જ શાકભાજીનો ધંધો કરે છે. શંકાસ્પદ લક્ષણો બાદ ગુરૂવારે તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેવી જ રીતે આશિષભાઈ ચંપકભાઈ ઘાસવાલા (ઉ.વ.૩૪) સરદાર માર્કેટમાં શાકભાજીનો વેપાર કરે છે. કોરોનાનાં લક્ષણો બાદ ગુરૂવારે તેમનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેવીજ રીતે કરિયાણાની દુકાન ચલાવતા સુગરસિંગ કાલકાપ્રસાદ રાજપૂત (ઉ.વ.૪૮) અને રાજુ અમૃતભાઇ ડોડીયા (ઉ.વ.૪૨) ને પણ ચેપ લાગ્યો હતો અને ગુરૂવારે બંનેનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે