ગલબાકાકાએ હૃદયસ્પર્શી સંદેશો આપ્યો હતો ‘ભેદ નહીં, દરેક માણસને પ્રેમ આપો’

ગુજરાત
ગુજરાત

આપણા દેશમાં જ્ઞાતિવાદના લીધે બે સમુદાય વચ્ચે  ભેદભાવ રાખવામાં આવે છે. માણસનું જીવન કર્મ આધીન હોવું જોઈએ અને  કર્મ જ તેની ઓળખ બનવું જોઈએ. કર્મ કરવાથી વ્યક્તિનું ભાગ્ય પણ બદલાઈ શકે છે. ભારતીય સમાજમાં જ્ઞાતિના આધારે મનુષ્યના વાડા બનાવવામાં આવ્યા છે તેના લીધે અનેક રીતે રાષ્ટ્રને  નુકશાન થાય છે.
બનાસકાંઠામાં ગલબાભાઈ નાનજીભાઈ પટેલે પોતાના સમયે પણ અસ્પૃશ્યતા નિવારણ માટે અથાગ પ્રયત્ન કરેલા અને તેમણે માનવ ધર્મને સૌથી મોટો ગણાવ્યો હતો. માણસનું મૂલ્યાંકન ધર્મ- જ્ઞાતિથી નહીં પણ તેના કર્મના આધારે કરવું  જોઈએ તેવું ગલબાકાકા માનતા હતા.  
બનાસ ડેરીના શિલ્પી સ્વ.ગલબાભાઈ નાનજીભાઈ પટેલે ભારત દેશ આઝાદ  થયો ન હતો તે વખતે અસ્પૃશ્યતા નિવારણ માટે અથાગ પ્રયત્ન કરેલા અને જ્ઞાતિવાદના ભેદ ન રાખો  તથા દરેક માણસને પ્રેમ આપો એવો  હૃદયસ્પર્શી સંદેશો આપ્યો હતો. ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ગાંધીજીના વિચારોનું અનુસરણ કરીને  જીવન  જીવતા હતા.  દરેક જ્ઞાતિ- ધર્મના માનવી માટે કલ્યાણકારી કામો કરતાં હતા. તેઓના જીવન પર રાષ્ટ્રપિતા મહાત્માગાંધીનાં વિચારોની અસર જેવા મળે છે.
મહાત્મા ગાંધીજીએ પોતાની આત્મકથા ‘સત્યના પ્રયોગ’માં લખ્યું છે કે  મારા  જીવનમાં ‘‘ અન ટૂ  ધિસ લાસ્ટ’’ પુસ્તકના કારણે અનોખું પરિવર્તન આવ્યું હતું. એ પુસ્તકના  ત્રણ મુદ્દાઓએ ગાંધીજીના જીવન પર ઊંડી અસર પાડી હતી . ગાંધીજી આગળ લખે છે તે વાત ઘણી મૂલ્યવાન લાગે છે. સર્વોદયનાં સિદ્ધાતો હું આમ સમજ્યો છું (૧) બધાના ભલામાં આપણું ભલું રહેલું છે. (૨) વકીલ તેમજ વાળંદ બંનેના કામની કિંમત એક સરખી હોવી જોઈએ કેમ કે આજીવિકાનો હક બધાને એક સરખો  છે (૩) સાદું –મજૂરીનું ખેડૂતનું જીવન જ ખરું જીવન છે. આમ આ  બધા ગુણો  ગલબાકાકાનાં  જીવનમાં જોવા મળે છે. તેમણે ગરીબોનો, કચડાયેલા વર્ગના  લોકોનો ઉધ્ધાર કરવાનો નિર્ધાર કર્યો  હતો.
જયારે મહાન લોકસેવક ગલબાભાઈ પટેલે પોતાના સ્કૂલના સમયે ખભા પર દફતર ઝૂલાવતા- ઝૂલાવતા સ્કુલ તરફ પગ માંડ્‌યા હશે તે કોઈ એક સમયની વાત છે. પાલનપુરથી લગભગ ૧૦ કિલોમિટર દૂર કાણોદર નામનું  ગામ આવેલું  છે ત્યાંની શાળામાં બનાસકાંઠાના લોકસેવકે  વિદ્યાર્થી તરીકે પ્રવેશ કર્યો ત્યારે કોઈએ તેના તરફ દ્રષ્ટિ કરી ન હતી પરંતુ ગલબાભાઈએ પોતાની આગવી  પ્રેમ ભરી, કુતૂહલભરી, નાત-જાતના ભેદ છોડી સમાન દ્રષ્ટિથી વર્ગ ખંડને નીરખ્યો હતો. એક તરફ બે ત્રણ જેટલા છોકરા બેઠા હતા. ગલાબભાઈ તો બે ત્રણ વિદ્યાર્થી બેઠા હતા તેની જોડે જોઈને બેસી ગયા. તેવા સમયે વર્ગખંડમાં એક છોકરાની નજર ગલબાભાઈ પર પડી અને હસી પડ્‌યો તેના લીધે આખા વર્ગખંડમાં હાસ્ય પ્રસરાઈ ગયું હતું.
એ વિદ્યાર્થીની સાથે આવેલ એક બીજો વિદ્યાર્થી અકળાઈ  ગયો અને બોલ્યો “ અલ્યા ગલબા અહિંયા કેમ બેઠો છે ?  આ તો બધા દલિત જ્ઞાતિના વિદ્યાર્થીઓ બેઠા છે. ત્યારે વર્ગખંડનો એક બીજો વિદ્યાર્થી  બોલી ઉઠ્‌યો કે ‘ગલબો’ તૂરી જેવો છે. એક ખુણામાંથી આ  અવાજ આવ્યો ત્યારે આખા કલાસમાં ખડખડાટ હાસ્ય ફરી વળ્યું. તેવા સમયે ગલબાભાઈ કોઈ શરમ અનુભવ્યા વગર, કોઈ સંકોચ રાખ્યા વગર બોલ્યા કે, ‘એમાં વળી શું થઇ ગયું?’ અહિયા બેસો કે ત્યાં બેસો, એમાં આટલો દેખાડો શા માટે? મારા ગામ નળાસરમાં પણ તો  તૂરી સમાજનાં અનેક  લોકો વસવાટ કરે છે અને અમે બધા હળીમળીને પ્રેમથી રહી છીએ… માત્ર બાર વર્ષની  વયે પણ ગલબાકાકાની આટલી મોટી કોઠાસૂઝ હતી અને દલિત સમાજ માટે પણ નિર્મળ પ્રેમભાવ હતો. આવા વિચારોમાં માનવતાના દર્શન થાય છે. એ સમયે ગલબાભાઈ પટેલની બુધ્ધિમત્તા જોઈને આખો વર્ગ ડઘાઈ ગયો હતો. હરિજન બાળકોને એક પ્રેમાળ અને જ્ઞાતિવાદના ભેદભાવથી  દૂર રહેનાર મિત્ર મળી ગયો હતો.
તે સમયે ગલાબભાઈ પટેલના સાહેબ વેણીચંદ હતા. ગલબાભાઈ પટેલની એક તેજસ્વી બાળક તરીકે વર્ગ ખંડમાં ઓળખ થવા માંડી હતી. માત્ર બાર વર્ષની ઉંમરે આટલા ઓજસ્વી સેવાભાવી વિચારો જોઈને સૌ કોઈ નવાઈ પામ્યા હતા. વેણીચંદ સાહેબે  ગલબાભાઈના કપાળ સામે જોયું ત્યારે  તેમનું  ભવિષ્ય  ઉજળું હતું. ભાવિના વિશિષ્ટ લેખ  લખાયેલા હોય તેવું સ્પષ્ટ પણે દેખાઈ આવતું હતું.
‘ગરીબોના હિતચિંતક ગલબાકાકા’ નામના લેખમાં હરિપ્રસાદ પંડ્‌યાનાં વિચારો આલેખાયેલા છે તે મુજબ પાલનપુર પાસે રતનપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ. આવેલ હતી. આ ગામમાં આંજણા પટેલોઓની વિશેષ વસ્તી હતી. હરિજનોનું દૂધ લેવું નહીં તેવું ગામ લોકોએ નક્કી કર્યું હતું. ગલબાકાકા પાસે ફરિયાદ આવી અને મને બોલાવીને- ટૂંકી સૂચના આપી- ‘‘ગામમાં જાઓ –તેમને કહેશો” હરિજનોનું દૂધ લેવું પડશે. ના પાડે તો સાધનો લઇ હરિજનોને આપશો. હરીજનોનું  બે લિટર દૂધ આવે તો  પણ  મંડળી ચાલુ  રાખશો’’ ગલબાકાકાની  દરિયાદિલી વિશાળ હતી. તેઓના માટે ‘માનવતા દેવ ભવ’ નામના મંત્રને જાણે  સાર્થક કર્યો ન હોય…!
૨૧મી સદીનો
આભાર – નિહારીકા રવિયા   સમય ચાલી રહ્યો છે, આ સદી નોલેજ,  ટેકનોલોજીની સદી કહેવાય છે. એવા સમયમાં દલિતો કે કેટલીક અન્ય જ્ઞાતિ સાથે અસ્પૃશ્યતા રાખવામાં આવતી હોય છે. ત્યારે બનાસના લોકસેવક ગલબાકાકા એ તો  જ્ઞાતિવાદ મુક્ત ભારત દેશનું સપનું આઝાદી પહેલા જોયું હતું.
આધુનિક પેઢીને ગલબાકાકાના જીવનથી કંઈ’ક શીખવું રહ્યું… ક્રમશ.
નોંધ ઃ આ લેખ રખેવાળ દૈનિકની પરવાનગી વગર કોઈએ  પ્રકાશિત કરવો નહીં.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.