ગુજરાત ટાઇટન્સે શાનદાર જીત સાથે ઇતિહાસ રચ્યો

ગુજરાત ટાઇટન્સે શાનદાર જીત સાથે ઇતિહાસ રચ્યો

૧૮ મેના રોજ ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૫ની ૬૦મી મેચમાં ગુજરાત ટાઇટન્સે શાનદાર વિજય નોંધાવ્યો. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ગુજરાતે દિલ્હી કેપિટલ્સને 10 વિકેટથી હરાવ્યું અને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવીને પ્લેઓફમાં ટિકિટ બુક કરાવી. ગુજરાતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. દિલ્હી કેપિટલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 199 રનનો મજબૂત સ્કોર બનાવ્યો. જોકે, ગુજરાતની બેટિંગ સામે આ સ્કોર ટકી શક્યો નહીં.

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની ઓપનિંગ જોડીએ શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું. સાઈ સુદર્શને શાનદાર બેટિંગ કરી અને 61 બોલમાં અણનમ 108 રન બનાવ્યા. તેની સાથે કેપ્ટન શુભમન ગિલે પણ ધમાકેદાર પ્રદર્શન કર્યું અને 93 રન બનાવ્યા. બંનેએ મળીને માત્ર 19 ઓવરમાં 205 રન બનાવ્યા અને ટીમને એકતરફી વિજય અપાવ્યો. આ રીતે, ગુજરાત ટાઇટન્સ IPLના ઇતિહાસમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 200 થી વધુના લક્ષ્યનો પીછો કરનારી પ્રથમ ટીમ બની.

તમને જણાવી દઈએ કે, આ IPLમાં કોઈપણ ટીમ દ્વારા કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના સફળતાપૂર્વક પ્રાપ્ત કરેલો સૌથી મોટો લક્ષ્ય છે. આ પહેલા, 2017 માં ગુજરાત લાયન્સ સામે કોલકાતા નાઈટ રાઈડર્સે 184 રનનો સૌથી મોટો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાત T20 ક્રિકેટમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 200 થી વધુ રનનો લક્ષ્યાંક હાંસલ કરનારી બીજી ટીમ બની છે. આ પહેલા, ફક્ત પાકિસ્તાને 2022 માં કરાચીમાં ઇંગ્લેન્ડ સામે T20I માં 200 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *