ઓલિમ્પિક ગેમ્સનાં આયોજનનાં ભાગરૂપે રમતગમત મંત્રી હર્ષ સંઘવી સહિત ૩ IAS અધિકારીઓ આજથી ૮ જૂન સુધી લંડનનો પ્રવાસ કરશે
અમદાવાદમાં ઓલિમ્પિક ગેમ્સનું સફળ આયોજન થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. ગેમ્સની પૂર્વ તૈયારી રૂપે સરકારે મોટું પગલું ભર્યુ છે. સરકાર તેમનું એક પ્રતિનિધિમંડળ લંડન મોકલશે. જેના માટે રમતગમત મંત્રી હર્ષ સંઘવી અને ત્રણ આઈએએસ અધિકારી શહેર વિકાસનાં અગ્ર સચિવ અશ્વિનીકુમાર, અમદાવાદ શહેરનાં પૂર્વ કમિશ્નર એમ. થેન્નારસન, અને વર્તમાન કમિશ્નર બંછાનિધિ પાની લંડનની મુલાકાત લેશે. ઈન્ફ્રાસ્ટ્રકચરનો માટેનો મોટાભાગનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે તેમ માનવામાં આવે છે. કેન્દ્ર સરકાર તેમાં અમુક હિસ્સો આપે તેમ માનવામાં આવે છે.પ્રાપ્ત વિગત અનુસાર શહેરમાં ઓલિમ્પિકનું સુંદર આયોજન થાય, ક્યાં કઈ રમત રમાડી શકાય તે અંગે હાલ ૩૩ સ્થળોની પસંદગી કરવામાં આવી છે. સરકાર આ મામલે કામગીરી શરૃ કરી છે. ૨૩ સ્થળોમાંથી અમદાવાદમાં ૧૭ અને ગાંધીનગરમાં ૬ સ્પોટની પસંદગી કરાઈ છે. ૨૨ સિંગલ સ્પોર્ટસ અને ૧૧ મલ્ટી સ્પોર્ટસ માટે સ્થળો પસંદ કરાયા છે.
ઓલિમ્પિક્સ માટે ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવાનો ખર્ચ પાંચથી ૬ હજાર કરોડની આસપાસ આવે તેવું રાજ્ય સરકારના વર્તુળોનું કહેવું છે. આ પ્રોજેક્ટના કોસ્ટ શેરિંગની વહેંચણી હજી સુધી નક્કી થઈ નથી. પણ રાજ્ય સરકાર મહદ અંશે ખર્ચ ભોગવશે તેમ માનવામાં આવે છે. આ ખર્ચો ૭૦થી ૯૦ ટકા સુધીનો હોઈ શકે છે. સૂચિત ઓલિમ્પિક પાર્કના માસ્ટર પ્લાનિંગ માટે કન્સલ્ટન્ટ, પોપ્યુલસ ડિઝાઈન પ્રાઈવેટ લિમિટેડની નિમણૂક કરવામાં આવી છે. ૨૦૩૬ની આ ગેમ્સ માટે યુરોપિયન દાવેદારોમાં બર્લિન, બુડાપેસ્ટ, ઈસ્તંબુલ અને તુરીનનો સમાવેશ થાય છે. જ્યારે એશિયન દાવેદારોમાં દોહા, ચીનના કેટલાંક શહેરો, સિઓલ અને ઈન્ડોનેશિયાના નુસાન્તારાનો સમાવેશ થાય છે. અન્ય દાવેદારો ન્યૂ સિટી, ઈજિપ્ત અને મેક્સિકો સિટી છે.