સંભલમાં એક ભયાનક અકસ્માત થયો છે. અહીં શુક્રવારે સાંજે એક બોલેરો ઇન્ટર કોલેજની દિવાલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. મૃતકોમાં વરરાજા, એક મહિલા અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. અકસ્માત સમયે બોલેરોમાં કુલ 14 લોકો સવાર હતા. બારાત બદાયૂં જઈ રહી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે તાત્કાલિક તમામ ઘાયલોને સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ અકસ્માત ગુન્નૌર તહસીલના જુનાવાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હતો.
અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અધિક્ષક કૃષ્ણ કુમાર વિશ્નોઈ પોતે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. એસપી કૃષ્ણ કુમાર વિશ્નોઈએ જણાવ્યું હતું કે અકસ્માત સાંજે 7:30 વાગ્યાની આસપાસ થયો હતો. તેમણે કહ્યું કે આ દુ:ખદ માર્ગ અકસ્માતમાં વરરાજા સહિત પાંચ લોકોના મોત થયા છે અને પાંચ ગંભીર રીતે ઘાયલ થયા છે.
એસપીએ જણાવ્યું હતું કે જુનાવાઈ પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી કે એક ઝડપથી આવતી નવી મોડેલની બોલેરો કાર જનતા ઇન્ટર કોલેજની દિવાલ તોડીને પલટી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે જેસીબીની મદદથી કાર કાપીને ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા.