સરપંચના રેત માફિયાઓ અને અધિકારીઓની સાંઠગાંઠના ગંભીર આક્ષેપ
ડીસા નજીકના જુનાડીસા ગામમાં બનાસ નદીના પટમાં ચાલી રહેલ ગેરકાયદેસર રેત ખનન મામલે ગામના સરપંચ અમરતભાઈ પુનડિયાએ હાઈસ્કૂલમાં ગ્રામસભાનું આયોજન કર્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી બેફામ બનેલા રેત માફિયાઓ દ્વારા ગામની કુદરતી સંરક્ષણ સમાન કોતરો પણ તોડી પાડવા મુદ્દે ઉહાપોહ કરી રેત ખનન કાયમી ધોરણે બંધ કરવાની માંગ કરી હતી.
સરપંચ અમરતભાઈ પુનડિયાએ પણ રેત માફિયાઓ સામે ગંભીર આક્ષેપો કરી સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની પણ સીધી કે આડકતરી મિલીભગત છે.જેના કારણે જ આ રેત માફિયાઓને છુટ્ટો દોર મળ્યો છે, અને રેતીની આડમાં કોતરોનો પણ કચ્ચરઘાણ વાળી દીધો છે.વધુમાં તેમણે રેત ખનનની પ્રવૃત્તિ બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે રેત માફિયાઓનાં એક માથાભારે સાગીરતે “જો તારે આ ગામમાંથી 4- 5 જણને ઓછા કરાવવા હોય તો બીજીવાર આ ખનન બંધ કરાવવા આવજો.” તેવી ગર્ભિત ધમકી આપી હોવાનો ખુલાસો કર્યો હતો.જેનાથી ગામલોકો પણ સમસમી ઉઠ્યા હતા અને આ મુદ્દો ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે.ત્યારે જવાબદાર તંત્ર આ બાબતને ગંભીરતાથી લઈ ગામમાં રેત ખનન અટકાવે તે સમયનો તકાજો છે અન્યથા આ મુદ્દે જન આંદોલન છેડાય તેવી પૂરેપૂરી શકયતા છે.

