વિશ્વની સૌથી પ્રાચીન ગિરિમાળાઓ તરીકે અરવલ્લીની ગિરિમાળાઓ ગણાય છે. ક્લાઈમેટ ચેન્જના કારણે વિશ્વની આ પ્રાચીન ગિરિમાળાઓમાં વૃક્ષોની સંખ્યામાં ઘટાડો થયો છે. અરવલ્લીની ગિરિમાળાઓ ફરી લીલીછમ બને તે માટે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા તેને ગ્રીન વોલ બનાવવા માટેનો ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે. જેના કારણે અરવલ્લીની ગિરિમાળાઓ લીલીછમ બનશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીન વોલ બનાવવા માટે ઐતિહાસિક નિર્ણય લીધો છે. જે બાબતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, પર્યાવરણનું વધુ સારી રીતે સંવર્ધન કરી શકાય તે હેતુસર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ દિવસ પર ગુજરાતને ભેટ આપી છે. ગુજરાતની અંદર બનાસકાંઠાથી લઈને દાહોદ સુધીનો અરવલ્લીની ગિરિમાળાઓના વિસ્તારને ગ્રીન વોલ બનાવવા માટે ભારત સરકારના નિર્ણયથી ગુજરાતની સંપૂર્ણ ઇકો સિસ્ટમને ફાયદો થશે. વધુ વૃક્ષોનું સંવર્ધન થવાથી આ વિસ્તારમાં વરસાદ પણ વધુ પડશે. વોટર ટેબલને અપ કરવાનું કામ પણ થઈ શકશે.
અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વધુમાં જણાવ્યુ કે, અરવલ્લીની ગિરિમાળાઓમાં થતા જે વૃક્ષો છે તેના બીજ સિડ બોલમાં ભરીને ચાલુ વર્ષે સૌ કોઈ સાથે મળીને સિડ બોલ અભિયાનમાં સહભાગી બનવા તથા પ્રકૃતિના રક્ષણ માટે કામ કરવા આહવાન કર્યું હતું.
બનાસ ડેરી પણ છેલ્લા કેટલાક વર્ષોથી અરવલ્લીની ગિરિમાળાઓમાં સીડબોલ મૂકી તેને લીલીછમ બનાવવા માટેના પ્રયત્નો કરી રહી છે. જેના સકારાત્મક પરિણામો પણ મળ્યા છે. આગામી સમયમાં જ્યારે કેન્દ્ર સરકારે અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીનવોલ તરીકે બનાવવાનો નિર્ણય કર્યો છે ત્યારે તેના કારણે પ્રકૃતિનું સંવર્ધન થશે.