બનાસકાંઠા રિસર્વેમાં થયેલી ‘સરકારી ભૂલો’ ખેડૂતો માટે બની શ્રાપ : 9 વર્ષથી ન્યાય માટે રઝળપાટ

બનાસકાંઠા રિસર્વેમાં થયેલી ‘સરકારી ભૂલો’ ખેડૂતો માટે બની શ્રાપ : 9 વર્ષથી ન્યાય માટે રઝળપાટ

ડીસાના યાવરપુરા ગામમાં રિસર્વે બાદ જમીનના રેકોર્ડમાં ધરખમ ફેરફાર

 ભાઈ-ભાઈ વચ્ચે ઝઘડા અને શેઢા-પાડોશીઓ વચ્ચે વિવાદ વકર્યો

​બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2017/18માં સરકાર દ્વારા કરવામાં આવેલો જમીન રિસર્વે હવે ખેડૂતો માટે માથાનો દુખાવો બની ગયો છે. ખાસ કરીને ડીસા તાલુકાના યાવરપુરા ગામના ખેડૂતો છેલ્લા 9 વર્ષથી સરકારી કાગળો પર પોતાની જ જમીન સાબિત કરવા માટે કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. રિસર્વેની ક્ષતિઓને કારણે કોઈ ખેડૂતની જમીન કાગળ પર વધી ગઈ છે, તો કોઈની પરસેવાની કમાણી જેવી જમીન કપાઈ ગઈ છે.

​યાવરપુરા ગામના ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે એક જ ગામ અને એક જ સર્વે નંબરમાં જમીનના માપમાં મોટી વિસંગતતાઓ જોવા મળી રહી છે. આ ભૂલોના કારણે ગામમાં વર્ષોથી સાથે રહેતા શેઢા-પાડોશીઓ વચ્ચે તણાવ પેદા થયો છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે નજીવા જમીન વિવાદમાં ભાઈ-ભાઈ વચ્ચે પણ ઝઘડા અને મનદુઃખના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

​7/12 અને 8-અ ના ઉતારામાં થયેલી આ ભૂલોને કારણે ખેડૂતોને આર્થિક ફટકો પડી રહ્યો છે તેમજ ​લોન મળવામાં મુશ્કેલી પડી રહી છે જમીનના દસ્તાવેજોમાં મેળ ન હોવાથી બેંકો લોન આપવાનો ઇનકાર કરી રહી છે.​આ ઉપરાંત ટેકાના ભાવે પાક વેચવો હોય કે સરકારી સહાય મેળવવી હોય, ખોટા રેકોર્ડને કારણે ખેડૂતો આ લાભ થી વંચિત રહી જાય છે.  જમીન નામે કરાવવી, વારસાઈ નોંધ કે જમીન વેચાણ જેવી પ્રક્રિયાઓ છેલ્લા 9 વર્ષથી અટકી પડી છે.

​”અમારે વધારાની જમીન નથી જોઈતી, બસ 2017 પહેલા અમારા રેકોર્ડ પર જેટલી જમીન બોલતી હતી એટલી અમને પાછી કરી આપવામાં આવે.”

​ખેડૂતોએ આ બાબતે અનેકવાર ડીએલઆર કચેરીમાં લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. તેમ છતાં, તંત્ર દ્વારા માત્ર આશ્વાસન સિવાય કંઈ મળ્યું નથી. ખેડૂતો હવે હારી-થાકીને મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી રહ્યા છે. તેમનો એક જ સુર છે કે સરકાર જલ્દીથી આ રિસર્વેની જવાબદારી સ્વીકારે અને જૂના રેકોર્ડ મુજબ જમીનનું માપણી સુધારે.​હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ ગંભીર મુદ્દે જાગશે ખરું? શું યાવરપુરાના ખેડૂતોને તેમની હકની જમીનનો સાચો હિસાબ મળશે? અને મળશે તો ક્યારે ?

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *