ખેતરમાં કામે ગયેલા પરિવારના રહેણાંક મકાનનું તાળું તોડી રૂ.1.70 લાખના મુદ્દામાલ ચોરી
ગઢ પોલીસે ચોરી કરનાર અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી; પાલનપુર તાલુકાના ગઢ વિસ્તારમાં મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને કુંભલમેર નજીક ઉઘડ જમીન રાખીને વાવેતર કરતો પરિવાર ખેતરમાં ટામેટા વીણવા ગયો હતો દરમિયાન અજાણ્યા તસ્કરો તેમના મકાનમાં રાખેલ સોનાના તેમજ ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઇ જતા ચકચાર મચી જવા પામી છે.
ઉત્તરપ્રદેશના શહજહાનપુરના વતની અને ડીસા ગવાડીમાં અમનપાર્ક સોસાયટીમાં રહી ગ્રામ્ય વિસ્તારોમાં ઉધડ જમીન રાખીને ખેતી કરતા નીયાજોદિન ઉર્ફે રાજુભાઇ મહંમદસફી શેખે પાલનપુર તાલુકાના કુંભલમેરથી ચંડીસર જતા રોડ પર બે ખેડૂતોની જમીન ઉધડમાં રાખી વાવેતર કરી ખેતરના મકાનમાં રહેતા હતા આ પરિવાર સવારે આઠ વાગે ખેતરમાં ટામેટા વીણવા ગયો હતો દરમ્યાન અજાણ્યા તસ્કરોએ તેમના મકાનનું તાળું તોડી તેમાં રહેલા ડબ્બામાં રાખેલ સાત પેન્ડલ વાળો સોનાનો હાર,ત્રણ તોલા સોનાનો હાર,ચાર તોલા સોનાનું હાથ માં પહેરવાનું કડુ, સોનાની બુટ્ટી બે નંગ, સોનાની કાનની કુંડળ, સોનાની બે અંગૂઠ,સોનાની નથણી, સોનાની એક જોડ બુટ્ટી, સોનાનો આઠ પેન્ડલ વાળો હાર, ચાંદીનું હાથમાં પહેરવાનું કડુ,ચાંદીની પાયલ, ચાંદીના બે બેસ્લેટ, ચાંદી નું ગળામાં પહેરવાનું પેન્ડલ મળી રૂ.1.50 લાખની કિંમતના 30.53 તોલા ના નવ સોનાના અને 20 હજારની કિંમતના 900 ગ્રામ ચાંદીના ચાર દાગીના મળી કુલ.રૂ.1.70 લાખના મુદ્દામાલ ચોરી કરી પલાયન થઇ ગયા હતા.
જોકે બપોરે પરિવાર ઘરે આવતા મકાનનું તાળું તૂટેલું હોય અને સર સમાન વેર વિખેર પડેલો તેમજ દાગીના ની ચોરી થઈ હોવાનું માલુમ પડતાં બનાવ અંગે ગઢ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તસ્કરોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.