ગોડાઉન માથી શંકાસ્પદ રૂ.51.25 લાખના ધી ના જથ્થા ની સીઝર કાર્યવાહી હાથ ધરી 10 ઘી અને 1 તેલ ના નમૂનાઓ પૃથ્થકરણ માટે લેવાયા; પાટણ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા શંકાસ્પદ ઘી બનાવતા વેપારીના ગોડાઉન સીલ કર્યા બાદ 15 દિવસથી વધુ સમય વિત્યા બાદ વેપારી મંગળવારે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીમાં હાજર થતાં તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે સીલ કરેલ ગોડાઉન ખોલી તપાસની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી માહિતી મુજબ પાટણના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નગરજનોને શુદ્ધ અને ભેળસેળ મુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમને તા. 10 માચૅ ના રોજ મળેલી શંકાસ્પદ ઘીની બાતમીના આધારે શહેરના ઉઝા હાઈવે માગૅ પર આવેલા પાર્થ એસ્ટેટ (ક્રિષ્ના સ્કૂલની બાજુમાં)ના ગોડાઉન નંબર B-1 અને 21 પર તપાસ હાથ ધરવામાં આવી હતી.
જે તપાસ દરમ્યાન ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમને બંને ગોડાઉન બંધ અવસ્થામાં મળ્યા હતા. જેથી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા એફબીઓ મોદી રાકેશભાઈ મુકેશભાઈનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરેલ પરંતુ તેઓ રૂબરૂ હાજર ન થવાથી, રાત્રે મોડા સુધી રાહ જોવામાં આવી હતી પરંતુ એફબીઓ હાજર થયેલ ના હોવાથી તંત્ર દ્વારા બંને ગોડાઉન સીલ કરવામાં આવ્યા હતા અને બાલીસણા પોલીસ સ્ટેશનને એફબીઓની હાજરી માટે જરૂરી કાર્યવાહી કરવામાં સહયોગ આપવા માટે જાણ કરી એફબીઓ હાજર થયા બાદ ફૂડ સફેટી અને સ્ટાન્ડર્ડસ એક્ટ 2006 અન્વયે કાયદાકીય કાર્યવાહી કરવા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાટણના ડેજીગનેટડ ઓફિસરે જણાવ્યું હતું.
આ ઘટના ને 15 દિવસથી વધુ સમય વિત્યા બાદ મંગળવારે એફબીઓ પાટણ ખોરાક અને ઔષધ અને નિયમન તંત્રની કચેરી એ હાજર થતાં તંત્રની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે સીલ મારેલ ગોડાઉન ખાતે વેપારીને સાથે રાખીને પહોચ્યા હતા અને સીલ મારેલ ગોડાઉન ખોલી અંદર રહેલા જુદી જુદી બ્રાન્ડના શંકાસ્પદ ધી ના રૂ. 51.25 લાખના જથ્થા ની સીઝર કાર્યવાહી હાથ ધરી 10 ઘી અને 1 તેલ ના નમૂનાઓ પૃથ્થકરણ માટે લેવામાં આવ્યા હોવાનું ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીએ જણાવ્યું હતું.