ગોબરી તળાવ ઓવરફ્લો થતા તંત્ર દોડતું થયું: આસપાસ ના રહીશોના જીવ પડીકે બંધાયા
પાલનપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગને પગલે 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને લઈને પાલનપુરનું ગોબરી તળાવ ઓવરફ્લો થતા તંત્ર દોડતું થયું હતું.
પાલનપુરમાં ગત રાત્રે મેઘરાજાના ધમાકેદાર આગમનને પગલે 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેના પગલે શહેરમાં જળ બંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. ભારે વરસાદને પગલે પાલનપુર શહેરના ગોબરી રોડ પર આવેલું ગોબરી તળાવ ઓવરફ્લો થયું હતું. ગોબરી તળાવ ઓવર ફ્લો થતા તંત્ર દોડતું થયું હતું. પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, પાલનપુર મામલતદાર સહિત પાલિકાની ટીમે ગોબરી તળાવની મુલાકાત લીધી હતી. જેમાં ગોબરી તળાવ ફાટે નહિ તે માટે જરૂરી પગલાં ભરવા અંગે ચર્ચા વિચારણા કરી જરૂરી દિશા નિર્દેશ કરાયા હતા.
જોકે, ગોબરી તળાવ ઓવરફ્લો થતા પાલનપુર માર્કેટયાર્ડમાં પાણી ઘુસી જતા ખાતર સહિત અનાજની બોરીઓ પલળી જતા નુકસાન થયું હતું. જોકે, હવે વધુ વરસાદ થાય તો ઓવરફ્લો ગોબરી તળાવ ફાટી જાય તેમ હોઈ સંભવિત નુકસાન ને લઈને આજુબાજુના રહીશોના જીવ તાળવે ચોંટયા છે.
ગોબરીનું પાણી ઉમરદશીમાં નાંખવાની માંગ; પાલનપુરના ગોબરી તળાવ ઓવરફ્લો થયું છે. ત્યારે ગોબરી તળાવનું પાણી પાઇપ લાઈન દ્વારા ઉમરદશીમાં નાખી આ સમસ્યાના કાયમી નિકાલની માંગ ઉઠી છે.