બેફામ દોડતા ડમ્પરો સામે પગલાં ભરવાની માંગ; છેલ્લા બે દિવસથી બનાસકાંઠામાં જિલ્લામાં માર્ગ અકસ્માતનો સિલસિલો જારી રહ્યો છે. ત્યારે આજે પાલનપુર મેરવાડા નજીક ડમ્પર ચાલકે કાબુ ગુમાવતા બાળકીને અડફેટે લેતા બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. પાલનપુરના મેરવાડા ગામ પાસે બસ સ્ટેન્ડ નજીક ડમ્પર ચાલકે ડ્રાઇવિંગ પર કાબુ ગુમાવતા ડમ્પર રહેણાંક મકાનમાં ઘૂસી ગયું હતું. તે દરમિયાન ત્યાંથી સાયકલ પર પસાર થતી બાળકીને અડફેટે લીધી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલી બાળકીને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અકસ્માતને અંજામ આપી ડમ્પર ચાલક ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો હતો .
પાલનપુર અંબાજી હાઈવે પર દિવસ દરમિયાન યમરાજ બનીને પુરઝડપે રેત કપચી ભરેલા ભારે વાહનો પસાર થતા હોય છે. ત્યારે ઘણીવાર નિર્દોષ જિંદગી અકસ્માતનો ભોગ બનતી હોય છે.એવામાં તંત્ર દ્વારા બેફામ હંકારતાં ડમ્પર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.