રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય, મધ્યસ્થ, પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જે પૈકી તા.૧૬-૦૨-૨૦૨૫ રવિવારના રોજ મતદાન અને તા.૧૮-૦૨-૨૦૨૫ના રોજ મતગણતરી થનાર છે જે સંદર્ભે મહેસાણા જિલ્લામાં મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીઓનો કાર્યક્રમ રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર તરફથી જાહેર કરવામાં આવ્યો છે.
જે અંતર્ગત મહેસાણા જિલ્લામાં ખેરાલુ અને વડનગર નગરપાલિકામાં સામાન્ય ચૂંટણી અને ૨૬-મલેકપુર(ખે )જિલ્લા પંચાયત મતદાર મંડળ બેઠકની પેટા ચૂંટણી તેમજ ૬-ડભોડા-૨, ૭-ડાલીસણા, ૧૦-કુડા જુથ, ૯-મોલીપુર,૧૪-કુકરવાડા-૧, ૬-જોટાણા-૨, ૧૧-મરતોલી, ૩-અગોલ, ૨૨- નાની કડી તાલુકા પંચાયત મતદાર મંડળ બેઠકની પેટા ચૂંટણીઓ યોજાશે.
મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ,જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય, મધ્યસત્ર, પેટા ચૂંટણીઓનો કાર્યક્રમ નીચે મુજબ છે. ચૂંટણી જાહેરાતની તારીખ ૨૧-૦૧-૨૦૨૫, જાહેરનામુ પ્રસિધ્ધ કરવાની તારીખ ૨૭-૦૧-૨૦૨૫, ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૦૧-૦૨-૨૦૨૫, ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ ૦૩-૦૨-૨૦૨૫, ઉમેદવારી પાછી ખેચી લેવા માટેની છેલ્લી તારીખ ૦૪-૦૨-૨૦૨૫, મતદાનની તારીખ ૧૬-૦૨-૨૦૨૫ (રવિવાર) (સવારના ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી), પુનઃમતદાનની તારીખ (જરૂરી જણાય તો) ૧૭-૦૨-૨૦૨૫, મતગણતરીની તારીખ ૧૮-૦૨-૨૦૨૫, ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ ૨૧-૦૨-૨૦૨૫ રહેશે.
આ સાથે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આદર્શ આચાર સંહિતા સંદર્ભે સરકારી અધિકારીઓ-કર્મચારીઓની બદલી તેમજ રજા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ સંસ્થાઓના ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચારસંહિતાનો ચુસ્તપણે અમલ થાય તે માટે જે-તે કચેરીઓને રાજ્ય ચૂંટણી આયોગે આચારસંહિતા સંબંધે આદેશ જાહેર કર્યો છે.