છેલ્લા છ વર્ષથી એક શિક્ષિકા ગાંધીનગર પ્રતિનિયુક્તિ પર જતા વર્ગ ખાલી
શાળાના 164 જેટલા વિદ્યાર્થીઓના ભાવિ સામે ખતરો મંડરાયો; બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા છ વર્ષથી એક શિક્ષિકાની ગેરહાજરીને લઈ વિદ્યાર્થીઓનું ભાવિ બગડતું હોઇ ગ્રામજનોએ આજે શાળાની તાળાબંધી કરી હતી. આ બાબતથી સમગ્ર જિલ્લાના શિક્ષણ વર્તુળમાં ચકચાર મચી જવા પામી છે.
ડીસા તાલુકાની ગેનાજી ગોળીયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા ઉર્મિલાબેન ધનેસિંહ રાજપુત છેલ્લા છ વર્ષથી શાળામાં આવતા નથી. ઉર્મિલાબેન રજપૂતને તારીખ 1-6-2019 થી વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે પ્રતિ નિયુક્તિ પર મોકલવામાં આવ્યા છે. જોકે તેમની જગ્યાએ અન્ય કોઈ શિક્ષકને ફાળવવામાં આવ્યા ન હોવાથી શાળામાં પ્રાથમિક વિભાગના 164 અને ઉચ્ચતર પ્રાથમિક વિભાગના 183 વિદ્યાર્થી મળી 350 થી વધુ વિદ્યાર્થીઓનું ભણતર છેલ્લા છ વર્ષથી અધ્ધરતાલ છે.જે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે નુકસાનકારક છે.
ગ્રામજનો અગાઉ અનેક વખત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીથી લઈ ગાંધીનગર સુધી રજૂઆતો કરી આ શિક્ષિકાની પ્રતિનિયુક્તિ રદ કરી તેઓને ગેનાજી ગોળીયા પ્રાથમિક શાળામાં પરત લાવવા રજૂઆતો કરી હતી. પરંતુ હજુ સુધી કોઈપણ નિર્ણય ન આવતા તેમજ વિદ્યાર્થીઓનું ભાવી બગડતું હોવાથી નવું સત્ર શરૂ થતા વાલીઓની ધીરજ ઘટી હતી.
આજે ગ્રામજનોએ શાળામાં શિક્ષિકાની ગેરહાજરીને લઈ હોબાળો મચાવી તાળાબંધી કરી હતી.વાલીઓના જણાવ્યા મુજબ શાળામાં પ્રાથમિક વિભાગમાં કુલ 164 વિદ્યાર્થીઓ છે. જેની સામે માત્ર ત્રણ જ શિક્ષકો શાળામાં કામ કરી રહ્યા છે. ત્યારે ઉર્મિલાબેન રજપૂત છેલ્લા છ વર્ષથી ગાંધીનગર મુકામે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે પ્રતિનિયુક્તિથી ફરજ બજાવી રહ્યા છે. જેથી શાળાનો એક આખો વર્ગ શિક્ષક વગરનો ખાલી રહે છે અને નાના બાળકોના અભ્યાસ પર ખૂબ જ ગંભીર અસર થઈ રહી છે. જો શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક શિક્ષિકાને પરત નહીં લવાય અથવા અન્ય શિક્ષકને નહીં મુકાય ત્યાં સુધી તાળાબંધી રાખવામાં આવશે.