સરપંચના પતિએ ગઢ પોલીસ મથકે શિક્ષક વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ: પાલનપુર તાલુકાના ગઢ ગામની જી.આર.ગામી પ્રાથમિક શાળામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શાળાના ગણિત શિક્ષકે હોમવર્ક ન કરવા બદલ ગઢ મહિલા સરપંચના પુત્રને લાકડાના પાટીયાથી માર મારતા ચકચાર મચી જવા પામી છે.શિક્ષક વિરુદ્ધ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
પાલનપુર તાલુકાના ગઢ ગામના સરપંચ પતિ બેચરભાઈ ભીખાભાઈ ભુટકાના બે બાળકો જી.આર.પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે.શનિવાર ના રોજ તેમનો પુત્ર ઘરે આવ્યો ત્યારે તેની માતાને જણાવ્યું હતું કે હોમવર્ક ન કરવા બદલ શિક્ષક પાર્થ મહેન્દ્રસિંહ પરમારે તેના પગના સાથળના ભાગે લાકડાના પાટીયાથી માર માર્યો છે, જેના કારણે જામા પડી ગયા છે અને ખૂબ દુખાવો થાય છે.અને શાળાના શિક્ષકે તેને ધમકી પણ આપી હતી કે જો ઘરે કોઈને આ વાત કરીશ તો બીજા દિવસે વધુ માર મારશે. આ ધમકીના કારણે બાળકે માતાને જણાવ્યું, પરંતુ માતાએ પિતાને વાત કરી નહોતી. બીજા દિવસે સવારે પિતા બાળકને નવડાવતા હતા ત્યારે પગ પર પડેલા કાળા જામા જોઈને પૂછપરછ કરતાં આખી ઘટના બહાર આવી હતી.બાળકના પિતાએ તરત જ તેને નજીકના ડૉક્ટર પાસે તપાસ માટે લઈ ગયા અને ત્યારબાદ ગઢ પોલીસ મથકે શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ઘટના શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બની છે.