ખેતરો જળબંબાકાર બની જતા ખેડૂતોને નુક્સાનની ભીતિ
આજે વહેલી સવારે ભાભર તાલુકાની ચેમ્બુવા માઈનોર કેનાલમાં ગાબડું પડતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો તેમજ વાવેતર કરેલ મકાઈના પાકમાં પાણી ભરાઈ જતાં નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.ચેમ્બુવા માઈનોર કેનાલમાં યોગ્ય સફાઈ ન થતાં કેનાલમાં ગાબડું પડ્યું હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો.
એકબાજુ ભાભર તાલુકાના કેટલાક વિસ્તારોમાં હજુ કેનાલનું પાણી પિયત માટે પહોંચ્યું નથી ત્યારે અહીં તો હજારો લીટર પાણીનો વેડફાટ થયેલ જોવા મળી રહ્યો છે. કેનાલ સફાઈ અને પાણી વિતરણ કરતા કોન્ટ્રાકટરો દ્વારા ગેર વહિવટ થતો હોવાનાં આક્ષેપ ઉઠી રહ્યા છે. જેના કારણે ખેડૂતો માટે સરકાર દ્વારા સુખાકારી યોજનાનો હેતુ માર્યો જાય છે અને કોન્ટ્રાક્ટરો બીલ ઉધારી પોતાના ખિસ્સા ભરી રહ્યાં છે. જવાબદાર ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ ઉપર તપાસ કરી બેજવાબદાર કોન્ટ્રાકટર સામે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી રહી છે.

