એક સમયે આ વાક્યએ પ્રિયંકા પટેલને ખુબજ હતાશ કરી નાખ્યા હતા. ધોરણ 11માં ફિઝિક્સમાં નાપાસ થયા પછી, શિક્ષકે તેમની માતાને કહ્યું કે દીકરીને આર્ટ્સ કે કોમર્સમાં ફેરવી દો. પરંતુ એ દિવસે એક માતાએ હાર માનવાની ના પાડી.“મને એક મહિનો આપો” હેમંગિનીબેન પટેલે કહ્યું—અને ત્યાંથી થઈ એક અદભુત સફરની શરૂઆત.
યોગ્ય માર્ગદર્શન, મહેનત અને આત્મવિશ્વાસ સાથે પ્રિયંકાએ ફરી પરીક્ષા આપી—અને ફિઝિક્સમાં 70માંથી 67 માર્ક્સ મેળવી લીધા. જે વિષયને ક્યારેક તેમની નબળાઈ ગણવામાં આવતો, એ જ વિષય તેમની ઓળખ બનવા જઈ રહ્યો હતો. ફિઝિક્સમાં ગ્રેજ્યુએશન અને માર્સ પૂર્ણ કર્યા બાદ, પ્રિયંકા પટેલ માટે સંશોધનનો વિચાર પહેલી વાર સાચા અર્થમાં જન્મ્યો ત્યારે—જ્યારે M.Sc. દરમિયાન તેમના પ્રોફેસર ડૉ. રાજશ્રી જોટાણિયાએ તેમને અભ્યાસ ઉપરાંત “થિંકિંગ આઉટ ઓફ ધ બોક્સ” નું અતિ મહત્વનું પ્રોત્સાહન આપ્યું. પુસ્તકોથી મળતા જ્ઞાનથી આગળ વધી પ્રશ્નો પૂછવાની અને જવાબ શોધવાની પ્રેરણા એ દિવસથી તેમની સાથે રહી.ગણપત યુનિવર્સિટીએ તેમની ક્ષમતાને ઓળખી, અને ફક્ત ઓળખી જ નહીં, તેમને ડોક્ટરલ સંશોધન કરવાની તક આપી. પી.એચ.ડી.ની સફર સહેલી ન હતી. લાંબા કલાકો, વારંવાર નિષ્ફળતાઓ, અને સંશોધન પ્રકાશન નું સતત પ્રેશર—આ બધાની વચ્ચે પ્રિયંકાએ એક વાત શીખી. “પી.એચ.ડી. તમને ધીરજ શીખવે છે. રોજ તમે હારો છો, પણ ઝાડની જેમ અડગ ઊભા રહેવું પડે”.
આ સમગ્ર પ્રવાસ દરમિયાન તેમને આધ્યાત્મિક શક્તિનું વિશેષ બળ મળતું રહ્યું. તેઓ માને છે કે વિજ્ઞાન અને આધ્યાત્મ—બંને સાથે ચાલે છે. તેઓ એકબીજાના વિરોધી નહીં પરંતુ પૂરક છે. શ્રી કૃષ્ણ અને રાધારાણી પરની શ્રદ્ધાએ તેમને સૌથી કઠિન સમયમાં પણ સંતુલન અને હિંમત આપી. ડૉ. પ્રિયંકા ની સંશોધન કારકિર્દીનો મહત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમને ISROના સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર, અમદાવાદમાં ક્રાયોસ્ફેરિક સાયન્સિસ ડિવિઝનમાં ટ્રેઇની તરીકે પસંદ કરવામાં આવ્યા. અહીં પહેલી વાર એન્ટાર્કટિકા માત્ર નકશામાં રહેલો ખંડ નહોતો રહ્યો.વરિષ્ઠ વૈજ્ઞાનિકો પાસેથી બરફીલા ખંડ પર વિતાવેલા મહિના, અતિશય ઠંડીમાં કરેલા પ્રયોગો, અને વૈશ્વિક હવામાન સંશોધનમાં એન્ટાર્કટિકાની ભૂમિકા જેવી વાતોએ તેમના મનમાં એક શાંત સ્વપ્નનું બીજ રોપ્યું. એક દિવસ માત્ર સેટેલાઇટ ડેટા નહીં પણ પોતાની જાતે જ બરફ પર ઊભા રહી સંશોધન કરવાની ઇચ્છા નો જન્મ થયો. સંશોધન દરમિયાન તેમને ISROના સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટ્ર સાથે કામ કરવાની તક મળી. ગણપત યુનિવર્સિટી અને SAC−ISROના સહયોગી પ્રોજેક્ટ હેઠળ જુનિયર રિસર્ચ ફેલો તરીકે તેમની નિમણૂક થઈ. “Investigation of Ice Sheet Mass Balance Using Multi Sensor.
Spaceborne Data” વિષય પર ડૉ. સંદીપ આર. ઓઝાના સક્ષમ માર્ગદર્શન હેઠળ પ્રિયંકાની પીએચડીની યાત્રા શરૂ થઈ. ડૉ. ઓઝાએ તેમની વિચારશક્તિ અને વિશ્લેષણાત્મક ક્ષમતા ઓળખી. આવા નિપુણ માર્ગદર્શનથી પ્રિયંકાનો વિશ્વાસ વધુ મજબૂત બનતો ગયો.લદ્દાખના ઝાંસ્કાર વિસ્તારમાં આવેલા ટ્રાંગ ડુંગ ગ્લેશિયર પર દસ દિવસનું ફીલ્ડ ટ્રેનિંગ તેમની સફરનું મહત્વપૂર્ણ પગથિયું સાબિત થયું. પહેલી વાર બરફને સ્પશ્યો, ગ્લેશિયરને નજીકથી જોયું ત્યારે ખરા અર્થ માં સમજાયું કે સેટેલાઇટ પરથી મળતા આંકડા ત્યારે જ સાચા અર્થ મેળવે છે, જ્યારે જમીન પરના અનુભવ સાથે જોડાય. અને પછી આવ્યું સૌથી અદભુત પ્રકરણ – એન્થ્રાર્કટિકા. ભારતની 44મી વૈજ્ઞાનિક એન્ટાર્કટિક અભિયાન માટે પ્રિયંકાની પસંદગી તેમની પી.એચ.ડી. સફરનો સૌથી નિર્ણાયક અધ્યાય બન્યો. મેડિકલ ટેસ્ટ્,પ્રી-એન્ટાર્કટિક ટ્રેનિંગ, ગોવાથી કેપટાઉન સુધીની હવાઈ મુસાફરી, અને સંશોધન જહાજ દ્વારા લાંબી અને થકાવનારી સમુદ્રી યાત્રા કાર્ય બાદ તેમણે દુનિયાના સૌથી કઠોર ખંડ પર પગ મૂક્યો. હાડ થિજવી નાખે એવી ઠંડી, એકાંત અને અતિ કઠિન કામ – દરેક દિવસ એક પરીક્ષા હતો. ભારતના ભારતી અને મૈત્રી સંશોધન સ્ટેશનો નજીક પ્રિયંકાએ સબ-ઝીરો તાપમાન, તીવ્ર પવન અને શારીરિક થાક વચ્ચે કામ કર્યું. દરરોજનું જીવન જ એક પડકાર હતું.
આ અતિ કઠિન પરિસ્થિતિઓમાં તેમણે બરફ પર વૈજ્ઞાનિક માપણો, મેદાની અવલોકનો અને ડેટા કલેક્શનની જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી. દરેક ડેટા પોઇ માટે શારીરિક સહનશક્તિ, માનસિક સ્થિરતા અને ટીમવર્ક જરૂરી હતું. જે આંકડા ક્યારેય કમ્પ્યુટર સ્ક્રીન પર ગ્રાફ અને નકશા હતા, એ હવે એક જીવંત અનુભવ બની ગયા. એન્ટાર્કટિકા હવે માત્ર સંશોધન ક્ષેત્ર નહોતું – એ પ્રિયંકાની વિચારધારા, ધીરજ અને લક્ષ્યને નવી ઊંચાઈ આપનાર જગ્યા બની ગઈ. “એ જગ્યાની સુંદરતા મારા હ્રદય માં વસી ગઈ છે,” તેઓ કહે છે, “એન્ટાર્કટિકા મને ખરેખર સ્વર્ગ જેવું લાગ્યું.”
પરત ફર્યા પછી અંતિમ ચરણ શરૂ થયું—થિસિસ લખવાનું કાર્ય. વર્ષોની મહેનત બાદ 18 ડિસેમ્બર 2025 ના દિવસે તેઓએ સફળતાપૂર્વક પી.એચ.ડી. ડિફેન્સ આપી. અને આખરે એ વાક્ય સંભળાયું, જે માટે તેમણે આ આખી સફર ખેડી હતી—“અભિનંદન, હવે તમે ડૉ. પ્રિયંકા પટેલ છો” પરંતુ તેમના માટે સાચી ડિગ્રી તો એ ક્ષણ હતી જ્યારે તેમના માતા-પિતાએ ઊભા રહીને તાળીઓ પાડી. આ સફર તેઓ પોતાની માતા હેમંગિનીબેન પટેલ, પિતા મહેશભાઈ પટેલ અને ભાઈ નિકુંજ પટેલને સમર્પિત કરે છે કે જેઓએ દરેક પરિસ્થિતિમાં એમની પર વિશ્વાસ રાખ્યો. તેમના પી.એચ.ડી. માર્ગદર્શક ડૉ. કુન્નર યાદવે શિાબદ્ધ માર્ગદર્શન, અડગ વિશ્વાસ અને સતત હિંમત આપીને પ્રિયંકાના ડોક્ટરલ સંશોધનને મજબૂત દિશા આપી. તેમના સાથ સહકારથી પ્રિયંકાની પી.એચ.ડી. સફર તણાવથી ભરેલી નહીં, પરંતુ એક સંતુલિત, વિશ્વાસપૂર્ણ અને સારી રીતે “manageable” રહી. આવો અનુભવ બહુ ઓછા સંશોધનકર્તાઓને મળે છે. પોતાની આ સફળતા માં ડો. પ્રિયંકાએ સ્વર્ગસ્થ ડૉ. કેયુર ભટ્ટ સરનો પણ અંતઃકરણ પૂર્વક આભાર માન્યો. ડૉ. પ્રિયંકા પટેલની કહાની આપણને એક જ વાત શીખવે છે—નિષ્ફળતા અને સફળતા એકબીજાના વિરોધી નથી, પરંતુ નિષ્ફળતા જ સાચી સફળતા નો આધાર છે. જ્યાં હિંમત છે, ત્યાં અંતે સિદ્ધિ ચોક્કસ મળે છે.




