નોકિયા 8000 અને 6300નાં 4G વેરિઅન્ટ લોન્ચ થશે, વર્ષના અંત સુધીમાં બંને ફોન લોન્ચ થઈ શકે છે
નોકિયાના રાઈટ્સવાળી ફિનલેન્ડની કંપની HMD ગ્લોબલ ગ્રાહકોને આકર્ષવા માટે એક વાર ફરી જૂના મોડેલ લોન્ચ કરવાની તૈયારીમાં છે. જર્મન વેબસાઈટ WinFutureના રિપોર્ટ અનુસાર, કંપની નોકિયાના જૂના અને પોપ્યુલર ફોન નોકિયા 8000 અને નોકિયા 6300 ફરી લોન્ચ કરશે. આ બંને ફોનનાં 4G વેરિઅન્ટ લોન્ચ થશે.
આ માહિતી એક એવા રિપોર્ટ પર આધારિત છે, જેમાં વાઈ ફાઈ કોલિંગ સપોર્ટ કરનારા સ્માર્ટફોનનું લિસ્ટ શેર કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં નોકિયા 6300 4G અને નોકિયા 8000 4G જોવા મળ્યા છે.
નોકિયા 8000 સિરીઝના ફોનમાં અગાઉ સ્લાઈડર ડિઝાઈન મળતી હતી. નવાં 4G વેરિઅન્ટમાં પણ કંપની આ જ ડિઝાઈન આપી શકે છે. રિપોર્ટ પ્રમાણે, બંને ફોનને વર્ષના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવી શકે છે. પહેલાં આ ફોનને યુરોપમાં લોન્ચ કરવામાં આવી શકે છે. ફોનનું લોન્ચિંગ નોકિયા 6.3 અને 7.3 સાથે કરવામાં આવી શકે છે.
માનવામાં આવી રહ્યું છે કે, આ બંને ફોન ફીચર ફોન કેટેગરીમાં જ રહેશે. જોકે ફોનમાં KaiOS ઓપરેટિંગ સિસ્ટમ મળી શકે છે, જેમાં ફેસબુક, વ્હોટ્સએપ સહિતની સોશિયલ મીડિયા એપ્સનો એક્સેસ મેળવી શકાશે. નોકિયા 6300ને 2007માં લોન્ચ કરવામાં આવ્યો હતો. તેમાં 2 ઈંચની ડિસ્પ્લે સાથે 2MPનો કેમેરા મળે છે.