ઓનલાઈન ગેમ્સમાં ‘લૂંટ બોક્સ’ પર પ્રતિબંધ મુકવાની માંગ સાથે હાઇકોર્ટમાં અરજી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

અમદાવાદ,
ઓનલાઈન પ્લેટફોર્મ પર રમાતી કેટલીક વિડીયો ગેમ્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવતા ‘લૂંટ બોક્સ’ પર પ્રતિબંધ અથવા નિયંત્રણ લાદવાની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ ધ્રુવીન એન દોસાની તરફે દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે પબજી, ફીફા-૨૧, કાઉન્ટર સ્ટ્રાઈકઃ ગ્લોબલ ઓફિનસીવ, ફોર્ટનાઈટ જેવી કેટલીક ઓનલાઈન ગેમમાં ‘લૂંટ બોક્સ’ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેમાં ગેમ રમનાર વ્યક્તિ વાસ્તવિક પૈસા અથવા વચ્ર્યુલ કરન્સીથી ‘લૂંટ બોક્સ’ ખરીદી શકે છે પરંતુ તેમાં ઇનામ અનિશ્ચિત હોવાથી તે પણ જુગારનો જ એક પ્રકાર છે.
જેથી તેના પર સરકાર દ્વારા પ્રતિબંધ અથવા નિયંત્રણ મુકવામાં આવે. વિડીયો ગેમ્સમાં ગેમ રમનાર વ્યક્તિ કેટલીક વસ્તુઓ જેમ કે ગેમમાં ખેલાડીઓના અવતાર અથવા ગેમમાં ઉપયોગ કરાતી કાર કે અન્ય વસ્તુઓ બદલવા માટે વાસ્તવમાં પૈસા ચૂકવીને ખરીદે છે અને તેના બદલે તેમને જે વચ્ર્યુલ ઇનામ આપવામાં આવે છે તે અનિશ્ચિત હોય છે. પિટિશનમાં રજુઆત કરવામાં આવી છે કે બેલજીયમ અને નેધરલેન્ડ જેવા દેશોએ ઓનલાઈન વિડીયો ગેમ્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવતા ‘લૂંટ બોક્સ’ને જુગાર ગણાવ્યો છે અને તેના પર પ્રતિબંધ પણ મુક્યો છે. વર્ષ ૨૦૧૮માં બેલજીયમના કમિશન ઓફ ગેમિંગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ‘લૂંટ બોક્સ’માં શક્યતાનો આધાર હોય છે અને ઇનામ પણ અનિશ્ચિત હોવાથી તેને જુગાર માનવામાં આવે છે. અરજદારે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ દાખલ કરેલી અરજીમાં મહત્વના નિર્દેશોની માંગ કરી છે જેમાં રાજ્ય સરકાર કમિટિનું ગઠન કરે જેમાં ‘લૂંટ બોક્સ’ ઉપલબ્ધ કરાવતી ઓનલાઈન ગેમ્સની ઓળખ કરવામાં આવે અને તેના નિયંત્રણ લાદે તેવી માંગ કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.