નાયબ કલેકટરની સૂચનાથી સર્કલ ઓફિસરે કાર્યવાહી કરી: ડીસાના આખોલ નજીક બનાસ નદીમાંથી રોયલ્ટી ભર્યા વગર ખનીજ ચોરી કરતા બે ડમ્પર,એક ટ્રેલર અને એક ટ્રેકટરને ડીસા નાયબ કલેકટરની સૂચનાથી સર્કલ ઓફિસરે ઝડપી લીધા હતા. તેમજ આ બાબતે કાર્યવાહી કરવા ભૂસ્તર વિભાગને જાણ કરી છે.
ડીસા પાસેથી પસાર થતી બનાસ નદીમાંથી ખનીજ ચોરી થઈ રહી હોવાની ફરિયાદ ડીસા નાયબ કલેકટર નેહા પંચાલને મળતા તેઓ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં ડીસાના આખોલ ચાર રસ્તા પાસે ડીસા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરને સાથે રાખી ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન બે ડમ્પર અને એક ટ્રેલર તેમજ એક ટ્રેક્ટર નદીમાંથી સાદી રેતી ભરીને આવી રહ્યું હતું. તેમની પાસે પાસ પરમિટ કે રોયલ્ટી બાબતે પૂછતા કોઈ પ્રકારનું પરમિટ મળી આવેલ ન હતું કે રોયલ્ટી પાસ પણ ન હતો. જેથી ચારેય વાહનોને ડીસા મામલતદાર કચેરી ખાતે સીઝ કરી ખાણ ખનીજ વિભાગને આગળની કાર્યવાહી કરવા માટે જાણ કરી હતી.
હાલ તો નાયબ કલેકટરની સૂચનાથી મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરે ગેરકાયદેસર ખનીજ વહન કરતા વાહનો કબ્જે કરી કરોડોનો મુદ્દામાલ સીઝ કર્યો છે. ડીસા પંથકમાંથી થતી ખનીજ ચોરી અટકાવવા માટે ખનિજ વિભાગની સાથે સ્થાનિક તંત્ર પણ એક્સન મોડમાં આવ્યું છે.તેથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.