કોંગ્રેસના ધારાસભ્ય દિનેશજી ઠાકોરના ગઢમાં ભાજપ એ મસ મોટું ગાબડું પાડતા સન્નાટો છવાયો
તાજેતરમાં યોજાયેલી પાટણ જિલ્લાની ત્રણ નગરપાલિકાની હારીજ, ચાણસ્મા અને રાધનપુરની ચૂંટણીમાં ત્રણેય નગરપાલિકામાં ભાજપે ભગવો લહેરાવ્યો છે ત્યારે ભાજપના સૌનો સાથ સૌના વિકાસના મંત્ર ને અનુસરવા ગુરૂવારના રોજ પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખની ઉપસ્થિતિમાં હારીજ નગરપાલિકાના વોર્ડ નંબર 1 ના અને કોંગ્રેસમાંથી જીતેલા મહિલા ઉમેદવાર તેમજ વોર્ડ નંબર 6 ના કોંગ્રેસ માંથી વિજેતા બનેલા ત્રણ ઉમેદવારો મળી કુલ ચાર ઉમેદવારો એ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરતા ઉપસ્થિત પ્રદેશ આગેવાનો સહિત પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોર સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ કોંગ્રેસ માંથી ભાજપમાં આવેલા ચારેય કોર્પોરેટરોને ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હોવાનું જિલ્લા ભાજપ કાયૉલય મંત્રી નવીનભાઈ પ્રજાપતિ એ જણાવ્યું હતું.
હારીજ નગર પાલિકાની યોજાયેલી ચૂંટણીમાં કુલ 6 વોર્ડના 24 ઉમેદવારો પૈકી 14 ઉમેદવારો ભાજપના વિજેતા બન્યા હતા અને 8 ઉમેદવારો કોંગ્રેસના વિજેતા બન્યા હતા તે પૈકીના 4 ઉમેદવારોએ ગુરુવારે કેસરિયો ધારણ કરતા હારીજ નગરપાલિકામાં કુલ ભાજપના 18 ઉમેદવારો સામે કોગ્રેસ ના 4 ઉમેદવારો રહેતા કોંગ્રેસના ધારાસભ્ય દિનેશજી ઠાકોરના ગઢમાં ભાજપે મસમોટુ ગાબડું પાડીને અપસેટ સજૅતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓમાં સોપો પડી જવા પામ્યો હોવાનું જાણવા મળ્યું છે.