હારીજ-થરા હાઈવે પર ચાર ઈસમોએ વાહન ચાલકને આતરી રૂ.1.25 લાખની લૂંટ ચલાવી ફરાર

હારીજ-થરા હાઈવે પર ચાર ઈસમોએ વાહન ચાલકને આતરી રૂ.1.25 લાખની લૂંટ ચલાવી ફરાર

હારીજ પોલીસે ગુનો નોંધી લૂટ ચલાવનારા અજાણ્યા બાઈક ચાલકોને ઝડપી લેવા ચક્રો ગતિમાન બનાવ્યા

હારીજ-થરા હાઈવે રોડ પર અસાલડી ગામ નજીક વાહન ચાલકને નંબર પ્લેટ વગરના બે હોન્ડા પર આવેલા ચાર અજાણ્યા ઇસમોએ આતરી રોકડ રૂ.૧,૨૫ લાખની લૂંટ ચલાવી ફરાર થયા હોવાની ઘટના અંગે હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ લૂંટની ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, કાંકરેજ તાલુકાના સમણવા ગામના રહેવાસી અને ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા વિપુલજી ખાતુજી ઠાકોર (ઉં.વ.૨૨) વાહન લઈને હારીજ-થરા હાઈવે પર અસાલડી ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા તે સમયે નંબર પ્લેટ વગરના બે હિરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ પર આવેલા ચાર અજાણ્યા ઇસમોએ તેમને આંતર્યા હતા અને એક મોટર સાયકલ થી વિપુલજીની ગાડીને આડાશ ઊભી કરીને તેને ઊભી રખાવવામાં આવી હતી. ત્યારબાદ, બીજા મોટર સાયકલ પરના ચાલકે વિપુલજીની ગાડી નજીક ડ્રાઈવર સાઈડથી આવીને તેને છરી જેવું હથિયાર ભરાવી જાનથી મારી નાખવાની ધમકી આપી વિપુલજીના પેન્ટના ખિસ્સામાં રહેલા રોકડા રૂ.૧,૨૫,૦૦૦ ની લૂંટ ચલાવી ચારેય ઇસમો બંને મોટર સાયકલ પર નાસી છૂટ્યા હતા.

આ ઘટના બાદ વિપુલજી ઠાકોરે તાત્કાલિક હારીજ પોલીસ સ્ટેશનમાં નંબર પ્લેટ વગરના બે હિરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ પર આવેલા ચાર અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ.૩૦૯(૪),૧૨૬(૨), ૩૧૧, ૩૫૧(૩),૨૯૬(બી),૩(૫) તેમજ જી.પી. એક્ટ કલમ.૧૩૫ મુજબ ગુનો નોંધી લૂંટારુઓને ઝડપી પાડવા અને લૂંટાયેલી રોકડ રકમ પરત મેળવવા માટે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *