પાલિકાની ફાયર ટીમે દોડી આવીને કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢ્યા; થરાદ નજીક દેવપુરા પાસે નર્મદા કેનાલમાં કાર ખાબકતાં ચાર મૃતદેહ મળી આવ્યા હતા. જો કે કારમાં પાંચ વ્યક્તિ પૈકી મહિલાની ભાળ નહી મળતાં પાલિકાની ટીમ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. મૃતક કાર ચાલકના પાસેથી મળી આવેલા મોબાઇલ અને વિજ બિલના આધારે તેમની ઓળખ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે કેનાલ પર બહોળી સંખ્યામાં લોકોના ટોળાં એકઠા થવા પામ્યાં હતા.કારમાંથી એક પછી એક મૃતદેહ બહાર કાઢવામાં આવતાં વાતાવરણમાં ઘેરા શોકની લાગણી પ્રસરવા પામી હતી. મૃતક એક જ પરિવાર હોવાનું પ્રાથમિક દષ્ટીએ જણાઇ રહ્યું છે.
ઘટના સ્થળ પર ઉપસ્થિત લોકો પાસેથી પ્રાપ્યા માહિતી મુજબ બ્રેઝા કાર ભાભરથી થરાદ તરફ આવી રહી હતી. જેમાં થરાદના કિયાલ ગામનો પરિવાર બેઠેલ હતો. આ બનાવની જાણ થતાં વાવ અને થરાદ પોલીસ પણ સ્થળ પર દોડી આવી છે.અક્સ્માત કઇ રીતે સર્જાયો તેના વિશે હજુ કોઇ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઇ શકી નથી. થરાદની મુખ્ય કેનાલમાં કાર ખાબકતાં થરાદ તાલુકાના કીયાલ ગામના એક જ પરિવારના ત્રણ બાળકો અને માતા-પિતા સહિત પાંચ લોકોના મોત થયા છે. જો કે મહિલાનો મૃતદેહ હજુ મળ્યો નથી.