વેપારી મથક ડીસાના ફુવારા સર્કલ નજીક આવેલું ૨૬ વર્ષ જૂનું રાજીવ ગાંધી શોપિંગ સેન્ટર હાલ અત્યંત ભયજનક સ્થિતિમાં છે, જેના કારણે અહીંના આશરે ૨૦૦ જેટલા દુકાનદારોમાં ભારે ભયનો માહોલ છવાયો છે. વેપારીઓ દ્વારા નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી ન થતાં તંત્ર સામે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. જો આ શોપિંગ સેન્ટર જમીનદોસ્ત થાય, તો ડીસાના ફટાકડા કાંડ જેવી જ નવીન હોનારતનો સામનો કરવો પડી શકે છે, અને તેનો સંપૂર્ણ દોષ નિષ્ક્રિય તંત્રને માથે રહેશે તેવી ભીતિ સેવાઈ રહી છે.
ડીસા નગરપાલિકા દ્વારા ૧૯૯૯માં શહેરી ધંધા-રોજગાર વધારવાના ઉમદા ઉદ્દેશ્યથી શહેરના મુખ્ય રાજમાર્ગ ફુવારા સર્કલ પર તત્કાલિન કોંગ્રેસના નગરપાલિકા પ્રમુખ વિપુલભાઈ શાહના નેતૃત્વમાં રાજીવ ગાંધી કોમ્પલેક્ષ સરકારી જમીન પર અંદાજિત ૨૦૦ દુકાનો, પાર્કિંગ, શૌચાલય અને પુસ્તકાલય જેવી સુવિધાઓ સાથે ઊભું કરાયું હતું. પૂર્વ પાલિકા પ્રમુખ વિપુલ શાહે આક્ષેપ કર્યો હતો કે, શોપિંગનો ઉદ્દેશ્ય રોજગારી વધારવાનો હતો. જોકે, પાલિકામાં ભાજપ હાલ સત્તામાં છે અને શોપિંગનું નામ રાજીવ ગાંધી છે એટલે આજે રાજકીય જુસ્સે તેની અવગણના થઈ રહી છે. નિર્દોષ વેપારીઓ દંડાઈ રહ્યા છે અને તેમની વાત કોઈ સાંભળતું નથી. બીજી તરફ, અહીં ભોંયતળિયે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે માત્ર ૨૬ વર્ષમાં શોપિંગના પાયા હચમચી ગયા છે, પોપડા પડવા માંડયા છે અને મોટી તિરાડો પડી ગઈ છે. ડીસા નગરપાલિકા અને સ્થાનિક તંત્ર માટે હવે સમય આવી ગયો છે કે તેઓ આ ગંભીર બાબતે તાત્કાલિક પ્રતિસાદ આપે, નહીં તો આ શોપિંગ સેન્ટર એક મોટી દુર્ઘટનાનું કેન્દ્ર બની શકે છે.