ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સવારે તેમના પરિવાર સાથે પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં તેમનું અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના પદાધિકારીઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું. મા અંબાના દર્શન બાદ મીડિયા સાથે વાતચીત કરતા રૂપાણીએ જણાવ્યું કે, આવતીકાલથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. તેમણે દેશની પ્રગતિ માટે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે, આજે સહપરિવાર માતાજીના ચરણોમાં શીશ નમાવી દેશની પ્રગતિ માટે પ્રાર્થના કરી છે. દેશ નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં આગળ વધી રહ્યો છે. હાલ દિલ્હીમા ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યો છે, જેમાં શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ આગળ વધી રહી છે. એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, દિલ્હીમાં ભાજપની સરકાર બનશે. દેશની સાથે-સાથે દિલ્હીમાં પણ વિકાસને લઇ આગળ વધશે. દિલ્હીમાં કેજરીવાલ અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ આ જનમદ છે. હવે દિલ્હીની જનતા અરવિંદ કેજરીવાલને જવાબ આપશે.