અંબાજીમાં પ્રથમ દિવસે જ 30 કરોડનું માતબર દાન…!!
રિલાયન્સ ફાઉન્ડેશનના અનંત અંબાણી દ્વારા રૂ.27 કરોડ અર્પણ : લાખો શ્રદ્ધાળુઓને હવે બંને ટંક ભરપેટ નિ:શુલ્ક ભોજન પ્રસાદ
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે માઈભક્તો માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. અંબાજી મંદિરે દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓને બંને ટંક શુદ્ધ અને સાત્વિક ભોજન પ્રસાદ નિઃશુલ્ક મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ‘જય અંબે તિથિ ભોજન યોજના’નો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજનાના લોકાર્પણના પ્રથમ દિવસે જ દાતાઓએ ઉદાર હાથે દાન આપતા રૂ.30 કરોડથી વધુની રકમ એકત્રિત થઈ છે.
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલ, આઈ.એ.એસ. હરિણી કે.આર. તેમજ અધિક કલેક્ટર કૌશિક મોદી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે દીપ પ્રાગટ્ય કરી આ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. આ યોજનામાં સહભાગી થવા માટે ટ્રસ્ટ દ્વારા એક દિવસના બંને ટંકના ભોજન માટે રૂ.1,51,000 ની રાશિ નક્કી કરવામાં આવી છે. આ જાહેરાત થતાની સાથે જ ઉપસ્થિત ભક્તોએ દાનની સરવાણી વહેવડાવી હતી અને પ્રથમ દિવસે જ રેકોર્ડબ્રેક ભંડોળ જમા થયું હતું.
આ યોજનામાં સૌથી મોટા દાતા તરીકે રિલાયન્સ ફાઉન્ડેશનના અનંત અંબાણીએ રૂ.27 કરોડ ઉપરાંતની રકમ અર્પણ કરીને આ ભગીરથ કાર્યમાં મોટું યોગદાન આપ્યું છે. આ ઉપરાંત અમદાવાદના એક શ્રદ્ધાળુએ પણ નિઃશુલ્ક ભોજન માટે 52 લાખની ભેટ ધરી હતી. આમ, વિવિધ દાતાઓના સહયોગથી પ્રથમ દિવસે જ 30 કરોડથી વધુની રકમ એકત્રિત થતા ટ્રસ્ટ દ્વારા તમામ અન્નદાતાઓનું શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
માતાજીએ આપેલ સેવામાં અર્પણ તેવો ભાવ
જિલ્લા કલેક્ટર મિહિર પટેલે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, અંબાજી આવતા તમામ શ્રદ્ધાળુઓને માના પ્રસાદ સ્વરૂપે ભરપેટ ભોજન મળી રહે તે માટે આ કાયમી આયોજન કરવામાં આવ્યું છે. અન્ય લોકો પણ પોતાની પુણ્યતિથિ, જન્મદિવસ કે લગ્ન વર્ષગાંઠ નિમિત્તે દાન લખાવી શકે છે. આ રકમના વ્યાજમાંથી અને દાનમાંથી ભવિષ્યમાં પણ ભક્તોને નિઃશુલ્ક ભોજન મળતું રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દાતાઓએ પણ હર્ષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, માતાજીએ આપણને જે આપ્યું છે તે ભક્તોની સેવામાં વપરાય તે જ પરમ સૌભાગ્ય છે. આ યોજના શરૂ થવાથી હવે અંબાજી આવતા શ્રદ્ધાળુઓને મોટી રાહત મળશે.



