ટેક્સાસના સિઉદાદ જુઆરેઝ અને અલ પાસોને અલગ કરતી સરહદ પર મેક્સીકન નેશનલ ગાર્ડના સૈનિકો અને અનેક આર્મી ટ્રકો જોવા મળ્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફની ધમકીઓ બાદ મેક્સિકોએ તેની ઉત્તરીય સરહદ પર 10,000 સૈનિકો મોકલ્યા છે. સિઉદાદ જુઆરેઝની બહાર, માસ્ક પહેરેલા અને સશસ્ત્ર નેશનલ ગાર્ડના સભ્યો બેરીકેડ સાથે ઝાડીઓમાંથી પસાર થતા જોવા મળ્યા. તિજુઆના નજીક લશ્કરી પેટ્રોલિંગ પણ જોવા મળ્યું. ટ્રમ્પ દ્વારા ભારે ટેરિફ લાદવાની જાહેરાત બાદ આ ઘટનાક્રમ સામે આવ્યો છે.
મેક્સીકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે સરહદ પર દેખરેખ વધારવા અને ફેન્ટાનાઇલની દાણચોરી અટકાવવા માટે દેશના નેશનલ ગાર્ડ સૈનિકોને તૈનાત કરવાનું વચન આપ્યું છે. ગયા વર્ષે ગેરકાયદેસર ઇમિગ્રેશનમાં ઘટાડો અને ફેન્ટાનાઇલ ઓવરડોઝમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવા છતાં ટ્રમ્પે સરહદ કટોકટી જાહેર કરી છે. મેક્સીકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે સોમવારે જણાવ્યું હતું કે તેમણે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મેક્સીકન આયાત પર 25 ટકા ટેરિફ લાદવામાં એક મહિનાનો વિલંબ કરવા અને ડ્રગની દાણચોરીને રોકવા માટે 3,200 કિલોમીટર લાંબી યુએસ-મેક્સિકો સરહદ પર તાત્કાલિક સુરક્ષા મજબૂત કરવા માટે કરાર કર્યો છે. શેનબૌમે સોશિયલ પ્લેટફોર્મ ‘X’ પર જણાવ્યું હતું કે તેમણે ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી હતી, જે દરમિયાન બંને નેતાઓ અનેક કરારો પર સંમત થયા હતા.