દબાણ હટાવ ઝુંબેશ રોજબરોજ ચાલું રાખવામાં આવે તેવી માંગ ઉઠી
ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઠેરઠેર ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટયો હતો અને રોડ રસ્તાઓ સાંકડા બની જતાં વાહનચાલકો અને રાહદારીઓ સહિત સિનિયર સિટીઝનો, શાળા કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રોજબરોજ અવરજવર કરવા ભારે ટ્રાફીક જામ વચ્ચે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે ડીસા નગરપાલિકાના પ્રમુખની સુચનાના પગલે ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ સહિત દબાણ શાખાના ચેરમેનના માર્ગદર્શન હેઠળ ડીસા નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ડીસા જલારામ સર્કલ પાસે પ્રાંત ઓફીસની સામે નાસ્તાના સ્ટોલના દબાણો દૂર કરાયાં બાદ પશુ બજાર વિસ્તારમાં આવેલ વિ. જે. પટેલ શાકમાર્કેટની સામે દુકાનોની બહાર ઉભી રહેતી લારીઓ દુર કરવામાં આવી હતી. સાથે મોબાઈલના દુકાનદારો દ્વારા દુકાનનોની બહાર મુકાતા બોર્ડ પાલિકા દ્વારા કબ્જે લેવામાં આવ્યા હતાં જ્યારે લાયન્સ હોલ નીચે સ્ટેશનરીના દુકાનદારોએ દુકાનોની બહાર માલસામાન સહિત દુકાનોના બોર્ડ મુકીને રાહદારી રસ્તો સાંકડો કરવામાં આવ્યો હતો.
ત્યારે પાલિકાના દબાણ અધિકારી મનોજ પટેલ સહિત સેનીટેશન ક્લાર્ક દેવરામભાઈ પરમાર સહિત કર્મચારીઓ દ્વારા તમાંમ દુકાનોના બોર્ડ કબ્જે કરી શાકભાજીની લારીઓ દુર કરાવી હતી અને ફરીથી ગેરકાયદેસર દબાણો નહી કરવા માટે દબાણકારોને કડક સુચનાઓ આપવામાં આવી હતી ત્યારે ઘણા સમય બાદ પાલિકા આજે દબાણ હટાવ ઝુંબેશની શરૂઆત કરાતાં શહેરમાં ગેરકાયદેસર દબાણો કરતાં દબાણકારોમાં ફફડાટ ફેલાયો હતો. જ્યારે ગેરકાયદેસર દબાણો સાથે રેસીડેન્સી એરિયામાં કોમર્શિયલ શોપિંગ સેન્ટરોમાં નકશા વિરુદ્ધનું બાંધકામ કરી દબાણો કરતાં દબાણકારો સામે પણ કડક કાર્યવાહી કરવી જરૂરી છે. તેમ શહેરીજનોએ જણાવી દબાણ ઝુંબેશ કાયમ ચાલુ રાખવાની માંગ પણ કરી હતી.