રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં શનિવારે મોડી રાત્રે ભારે પવન, ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ પડ્યો હતો. ખરાબ હવામાનને કારણે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGIA) પર ફ્લાઇટ કામગીરી પ્રભાવિત થઈ હતી. દિલ્હી એરપોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગઈકાલે રાત્રે ૧૧:૩૦ વાગ્યાથી આજે સવારે ૪ વાગ્યા સુધી કુલ ૪૯ ફ્લાઇટ્સને દિલ્હીથી અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી.
ભારે પવનને કારણે, ઘણી ફ્લાઇટ્સને દિલ્હીમાં ઉતરાણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને તેમને નજીકના શહેરોમાં વાળવામાં આવ્યા હતા. જોકે, હવામાનમાં સુધારો થતાં સવારે 4 વાગ્યા પછી સામાન્ય ફ્લાઇટ કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી. મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમની ફ્લાઇટની સ્થિતિ વિશે માહિતી મેળવવા માટે મુસાફરી કરતા પહેલા સંબંધિત એરલાઇનનો સંપર્ક કરે.
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, દિલ્હીના મુખ્ય હવામાન મથકે રાત્રે ૧૧.૩૦ થી સવારે ૫.૩૦ વાગ્યા સુધીના છ કલાકમાં ૮૧.૨ મીમી વરસાદ નોંધાયો હતો. આ સમય દરમિયાન, ૮૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ભારે પવનને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી.