છોડને વાળીએ એવો વળે અને ઘાટ ઘડીએ એવો ધડાય બાળકો ના જીવનમાં આ અહોભાગ્ય મા અને શિક્ષક્ના ભાગે આવે છે. સમાજને સારા અને ઉત્તમ નાગરિકો આપવામાં શિક્ષકો અને શિક્ષણ બન્ને પણ મહત્વની ભુમિકા ભજવે છે. સમાજ નું નવસર્જન શિક્ષકોના હાથમાં છે એ સાર્થક થતુ જોઈ શકાય છે મહેસાણા જિલ્લાના શિક્ષણ જગતમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.શરદ ત્રિવેદીના માર્ગદર્શન નીચે મહેસાણા જિલ્લાના પ્રાથમિક શિક્ષણ તંત્ર દ્વારા ધોરણ-૫ ના વિદ્યાર્થીઓમાં અધ્યન નિષ્પત્તિ આધારિત વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય તે માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ -NEP-૨૦૨૦ને ધ્યાને લઇ વિશેષ કામગીરી થઇ રહી છે. ગત ૧૧ જાન્યુઆરી-૨૦૨૫ ના રોજ ધોરણ-૫ ના ૨૩ હજારથી વધુ વિદ્યાર્થીઓની ૧૨૦ ગુણની બેઇઝ લાઈન કસોટી લેવામાં આવેલ.
આ કસોટીના આધારે જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ ક્યા વિષયમાં વિશેષ ક્ષમતા ધરાવે છે તેમજ કયા વિષયની કઈ અધ્યયન નિષ્પત્તિઓમાં કચાસ ધરાવે છે તે જાણી તેમને આગામી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિશેષ તૈયારી કરાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આ કસોટીથી વિદ્યાર્થીઓની તાર્કિક ક્ષમતા તેમજ ગણિત, પર્યાવરણ, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી વિષયમાં અધ્યયન નિષ્પત્તિ આધારિત કૌશલ્યોની ચકાસણી થશે. વિદ્યાર્થીઓને આગામી સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા યોજાતી જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા તેમજ રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવતી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા અને પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા પૂર્વે વિષય સંલગ્ન વિશેષ તૈયારીની તક મળશે. જિલ્લાની વિષય નિષ્ણાત ટાસ્ક ફોર્સ ટીમ દ્વારા પ્રશ્નપત્રની રચના કરવામાં આવી છે. પ્રશ્નપત્ર ઉપર ક્યૂ.આર.કોર્ડ મૂકવામાં આવેલ છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ તે સ્કેન કરવાથી શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ પ્રશ્નપત્રનું જવાબવહી સાથેનું અસાઇનમેન્ટ મેળવી શકશે. પ્રશ્નપત્રો અને ઓ.એમ.આર.શીટનું છાપકામ વિજાપુર તાલુકાની જૂના રણસીપુર પ્રા.શાળાના શિક્ષક સચિનકુમાર બી.પટેલના આર્થિક સહયોગથી થયેલ છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કહે છે એમ, આનાથી વિદ્યાર્થીઓનો સ્પર્ધાત્મક પરીક્ષાનો હાઉ દૂર થશે. સમય મર્યાદામાં પ્રશ્નપત્ર પૂર્ણ કરવાનું કૌશલ્ય વિકસશે. ઓ.એમ.આર.ના માધ્યમથી જવાબો લખવાનો અનુભવ થશે. મહાવરાની વિશેષ તક મળશે. ગોખણપટ્ટીની નહીં પરંતુ વિદ્યાર્થીઓની સમજની ચકાસણી થશે. જેથી NEP-૨૦૨૦નું ધ્યેય સિદ્ધ થશે.