પાટણના સિધ્ધિ સરોવરમાં ડૂબતી મહિલાને ફાયર ટીમ અને કુબેરેશ્વર મહાદેવના સેવકોએ બચાવી

પાટણના સિધ્ધિ સરોવરમાં ડૂબતી મહિલાને ફાયર ટીમ અને કુબેરેશ્વર મહાદેવના સેવકોએ બચાવી

કડકડતી ઠંડીમાં ફાયર ટીમ અને સેવકોની માનવતા મહેકી

પાટણ શહેરના ઐતિહાસિક સિધ્ધિ સરોવરમાં રવિવારની રાત્રિએ એક મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સ્થાનિક સેવકો અને નગરપાલિકાની ફાયર ટીમની તાત્કાલિક અને સાહસિક કામગીરીને કારણે મહિલાનો જીવ બચાવી લેવામાં સફળતા મળી છે.રવિવારના રોજ રાત્રે આશરે ૯:૧૫ થી ૯:૩૦ વાગ્યાના અરસામાં સિધ્ધિ સરોવરના બ્યુટીફિકેશનનું કામ કરતા મજૂરોને તળાવ માંથી ‘બચાવો બચાવો’ના અવાજો સંભળાયા હતા. આ અંગેની જાણ કુબેરેશ્વર મહાદેવના સેવક તેજસભાઈ બારોટને કરવામાં આવતા તેમણે તુરંત જ અન્ય સેવકોને સ્થળ પર તપાસ માટે મોકલ્યા હતા. ત્યાં ખરેખર એક મહિલા પાણીમાં ડૂબી રહી હોવાનું માલૂમ પડ્યું હતું.ઘટનાની ગંભીરતા જોઈ તેજસભાઈ બારોટે તાત્કાલિક પાટણ નગરપાલિકાના ફાયર ઓફિસર સ્નેહલભાઈને ટેલિફોનિક જાણ કરી હતી.

કડકડતી ઠંડી અને અંધારાને કારણે મહિલા સરોવરની બરાબર વચ્ચે હોવાથી રેસ્ક્યુમાં મુશ્કેલી પડી રહી હતી.જોકે ફાયર ઓફિસર સ્નેહલભાઈ તેમની ટીમ સાથે ત્વરિત બોટ લઈને આવી પહોંચ્યા હતા. સ્નેહલભાઈ, તેમની ટીમ અને તેજસભાઈ બારોટે બોટ મારફતે સરોવરની વચ્ચે પહોંચી મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. કાતિલ ઠંડીને કારણે પાણીમાં રહેલી મહિલાનું શરીર ઠંડીથી અકડાઈ ગયું હતું.આ સમયે કુબેરેશ્વર મહાદેવના સેવકોએ માનવતા દાખવી મહિલાને બ્લેન્કેટ ઓઢાડી હૂંફ આપી હતી.મહિલાને બહાર કાઢ્યા બાદ તુરંત જ ૧૦૮ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ મહિલા શહેરના હાઉસિંગ વિસ્તારમાં રહેતા અંકલબેન વિનોદભાઈ પટણી હોવાનું અને તે માનસિક અસ્થિર હોવાના કારણે તેમણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ તેમને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. નગરપાલિકાની ફાયર ટીમ અને કુબેરેશ્વર મહાદેવના સેવકોની આ પ્રશંસનીય અને ત્વરિત કામગીરીને કારણે એક પરિવારનો માળો વિખરાતો બચ્યો છે. સમગ્ર પાટણ પંથકમાં આ વીરતાભર્યા કાર્યની સૌ પ્રશંસા કરી રહ્યા છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *