શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન; ડીસા જીઆઈડીસી માં સાબુ અને પાવડર બનાવતી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આ આગના કારણે ફેક્ટરીમાં રાખેલો પેકિંગનો તમામ માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. જેથી વેપારીને મોટું નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં જ નાયબ કલેકટર નેહાબેન પંચાલ, ડીવાયએસપી સી. એલ. સોલંકી, નગરપાલિકાનો સ્ટાફ, અને ફાયર વિભાગની ટીમ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ડીસા નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારી નરેશ પરમાર સહિત ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મહત્વની વાત એ છે કે, ડીસા જીઆઇડીસીમાં જુદીજુદી ફેક્ટરીમાં વારંવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોવા છતાં, જીઆઇડીસી માં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા નથી. જો જીઆઇડીસીમાં ફાયર સેફ્ટીના પૂરતા સાધનો હોત તો કદાચ આટલું મોટું નુકસાન થતું અટકાવી શકાયું હોત અને આગને વહેલી તકે કાબૂમાં લઈ શકાઈ હોત. તાજેતરમાં જ ડીસા જીઆઇડીસી માં ગેરકાયદેસર રીતે ચાલતા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ અને આગની ઘટના બની હતી. ત્યારે આ ઘટનાએ ઔદ્યોગિક એકમોમાં ફાયર સેફ્ટીના અભાવનો મુદ્દો ફરી એકવાર સામે લાવ્યો છે.