રાજધાની દિલ્હીના લક્ષ્મી નગર વિસ્તારમાંથી એક મોટા અકસ્માતના સમાચાર આવ્યા છે. લક્ષ્મી નગર વિસ્તારમાં મોડી રાત્રે એક હોસ્પિટલમાં આગ લાગી હતી, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આ ઘટનાની માહિતી મળતાં દિલ્હી ફાયર સર્વિસે તાત્કાલિક કાર્યવાહી કરી અને 4 ફાયર એન્જિન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, હોસ્પિટલમાં લાગેલી આગને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા કાબુમાં લેવામાં આવી છે.
દિલ્હીના લક્ષ્મી નગરમાં આવેલી હોસ્પિટલમાં લાગેલી આગ અંગે ફાયર સર્વિસીસના ફાયર ઓફિસર દીપક હુડ્ડાએ જણાવ્યું હતું કે, “અમને હોસ્પિટલમાં આગ લાગવાની માહિતી મળી હતી. આગ ગ્રાઉન્ડ ફ્લોર પર લાગી હતી અને તેને બુઝાવી દેવામાં આવી છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
દ્વારકામાં પણ આગ લાગી હતી
અગાઉ, 18 માર્ચે મોડી રાત્રે દિલ્હીના દ્વારકા મોર વિસ્તારમાં ભીષણ આગની ઘટના નોંધાઈ હતી. આ ઘટનામાં મોટું નુકસાન થયું હતું. દિલ્હી ફાયર સર્વિસના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભીષણ આગમાં ઓછામાં ઓછા 30 ઝૂંપડા, બે ફેક્ટરીઓ અને કેટલીક દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. આગને કાબુમાં લેવા માટે 11 ફાયર એન્જિન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. આગ 1,200 ચોરસ યાર્ડથી વધુ વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.