મુદત પૂર્ણ થયેલ તેમજ ખાલી પડેલ બેઠકો સહિત 617 ગ્રામ પંચાયતોની બેલેટ પેપર પર ચૂંટણી યોજાશે
આજથી આદર્શ આચાર સહિતા નો અમલ શરૂ; આખરે જેની કાગડોળે રાહ જોતા હતા તેવા ગ્રામજનોની આતુરતાનો અંત આવ્યો છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામપંચાયતની ચૂંટણી ની તારીખો જાહેર કરવામાં આવી છે. મુદત પૂર્ણ થઈ ગઈ હોય અને લાંબા સમયથી પેન્ડિંગ રહેલી ગ્રામપંચાયતની ચૂંટણીની તારીખોનું એલાન કરાયું છે. ગ્રામપંચાયતની ચૂંટણી માટે 22 જૂને મતદાન યોજાશે. અને 25 જૂને મતગણતરી હાથ ધરાશે. 2 જૂને ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પડાશે. 9 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. 10 જૂને ફોર્મની ચકાસણી કરાશે અને 11 જૂન સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે.
બનાસકાંઠામાં મુદત પૂર્ણ રહેલી 215 ગ્રામ પંચાયતોની સામાન્ય, 171 વિભાજિત ગ્રામ પંચાયતો, 229 ગ્રામ પંચાયતોની કોઈ કારણોસર ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી અને વિસર્જન થયેલ 1 ગ્રામ પંચાયત મળી કુલ 617 ગ્રામ પંચાયતોમાં સરપંચ તેમજ સભ્યોની સામાન્ય તેમજ પેટા ચૂંટણી યોજાશે. ગ્રામ પંચાયતોની સામાન્ય તેમજ પેટા ચૂંટણી અંગે સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ થતા જ આદર્શ આચારસંહિતના અમલ સાથે જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના કાઉન્ટ ડાઉનને લઇ ગ્રામીણ સ્તરે રાજકીય ગરમાવો જામશે.