ટીવી શો પંડયા સ્ટોરમાં આવશે ૧૫ વર્ષનો લીપ
મુંબઈ, ગુમ હૈ કિસી કે પ્યાર મેં બાદ હવે ટીવી શો પંડયા સ્ટોરમાં પણ લીપ આવવાનો છે. રિપોર્ટ્સ પ્રમાણે, આ શોમાં ૧૫ વર્ષનો લીપ આવવાનો છે. જે બાદ શોની આખી સ્ટારકાસ્ટ બદલાઈ જશે. શોમાં થોડા મહિના પહેલા જ લીપ લેવામાં આવ્યો હતો. જે બાદ લીડ એક્ટર્સને બાળકો સાથે બતાવાયા હતા. પરંતુ હવે ‘પંડયા સ્ટોર’માં જનરેશન લીપ આવવાનો છે. લીપ બાદ શોમાં ફક્ત કૃતિકા દેસાઈ જ એવી અભિનેત્રી હશે જે નવી સ્ટારકાસ્ટ સાથે પણ દેખાશે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, આ શોમાં હવે બદલાવની જરૂર હતી. અગાઉ શોમાં સાત વર્ષનો લીપ લેવામાં આવ્યો હતો. જોકે, થોડા મહિનામાં જ શોના લીડ એક્ટર્સ અને તેમના બાળકોની આસપાસ ફરતી વાર્તા સેચ્યુરેશન પોઈન્ટ પર પહોંચી ગઈ હતી. ઉપરાંત શ્વેતા (અંકિતા બહુગુણા)નું પાત્ર અને તેનો ટ્રેક લાંબા સમય સુધી ખેંચાયો હતો. તે પંડયા પરિવારને પરેશાન કરતી હતી. છેવટે શોમાં હવે લીપ બતાવવામાં આવશે.
સૂત્રોએ વાત આગળ વધારતાં કહ્યું, આ સીરિયલમાં ૧૫ વર્ષનો લીપ આવવાનો છે અને લીડ એક્ટર્સ લીપ પછી નહીં જોવા મળે કારણકે શોની આખી વાર્તા બદલાઈ જવાની છે. ફક્ત એક જ પાત્ર શોમાં દેખાડાશે અને તે છે અભિનેત્રી કૃતિકા દેસાઈનું. શોના મેકર્સે નવા પાત્રોની શોધ પણ શરૂ કરી દીધી છે. શોના હાલના ટ્રેકની વાત કરીએ તો પંડયા પરિવાર એલિયાનના હુમલા સામે પ્રતિકાર કરી રહ્યો છે. ધારા (શાઈની દોશી) અને ગૌતમ (કિંશુક મહાજન) આરુષી અને બાકીના બાળકોને બચાવવામાં લાગ્યા છે.
આ સીરિયલ જાન્યુઆરી ૨૦૨૧માં શરૂ થઈ હતી. શોની મુખ્ય કાસ્ટમાં કૃતિકા દેસાઈ, શાઈની દોશી, કિંશુક મહાજન, કંવર ધિલ્લોન, અક્ષય ખરાડિયા, મોહિત પરમાર, સિમરન બુધારૂપ અને એલીસ કૌશિકનો સમાવેશ થાય છે. હાલમાં જ બાળકલાકારોની પણ શોમાં એન્ટ્રી થઈ છે.