બોક્સઓફિસ પર ચાલ્યો ગુજરાતી ફિલ્મોનો જાદુ

ફિલ્મી દુનિયા

મુંબઈ, મહામારીના કારણે છેલ્લા બે વર્ષ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ઠીક રહ્યા હતા. પરંતુ તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મોએ બોક્સઓફિસ પર સારી કમાણી ડી-ટાઉને મજબૂત કમબેક કર્યું છે. છેલ્લા છ મહિનામાં બોલિવુડની ફિલ્મનું પ્રદર્શન બોક્સઓફિસ પર નબળું રહ્યું છે એવામાં ગુજરાતી ફિલ્મો વધુમાં વધુ દર્શકોને આકર્ષી શકી છે અને સારો કહી શકાય તેવો વકરો કર્યો છે. ગત મહિને રક્ષાબંધન અને સ્વાતંત્ર્ય દિનની રજાઓના લીધે લોન્ગ વીકએન્ડ આવ્યો હતો એ દરમિયાન પણ બોલિવુડની ફિલ્મો કરતાં ગુજરાતી ફિલ્મોને વધુ દર્શકો મળ્યા હતા. આ બાબતને ઢોલિવુડ અને ફિલ્મ એક્ઝિબિટર્ઝ પોઝિટિવ સંકેત તરીકે જાેઈ રહ્યા છે. હવે તહેવારોની સીઝન શરૂ થઈ રહી છે ત્યારે તેમને અપેક્ષા છે કે, ફિલ્મો ખાસ કરીને દિવાળીમાં વધુ સારી કમાણી કરશે.

મલ્ટીપ્લેક્સ અને સિનેમા હોલ ઈન્ડસ્ટ્રી ફેસ્ટિવ સીઝન દરમિયાન બોલિવુડ પાસેથી અપેક્ષા રાખીને બેઠી હતી. પરંતુ ફેસ્ટિવ વીકએન્ડ વખતે હિન્દી ફિલ્મોનો વકરો જાેઈએ તેવો ના થતાં આશા ઠગારી નીવડી. ફેસ્ટિવ વીકએન્ડ પર સૌના આશ્ચર્યની વચ્ચે ગુજરાતી ફિલ્મોની ટિકિટોનું ધૂમ વેચાણ થતાં ફિલ્મ એક્ઝિબિટરોએ રાહતનો શ્વાસ લીધો હતો. શહેરના એક મલ્ટીપ્લેક્સના મેનેજર નીરજ આહુજાએ કહ્યું, “બોલિવુડના દિગ્ગજ સ્ટાર્સની ફિલ્મો કરતાં પણ કેટલીક ગુજરાતી ફિલ્મોએ સારી કમાણી કરી છે અને આ અમારા માટે આશ્ચર્યની વાત છે. બોલિવુડ કરતાં ગુજરાતી ફિલ્મોમાં ૩૫ ટકા વધારે ધસારો જાેવા મળ્યો હતો. આવું જવલ્લે જ બનતું હોય છે.”

આ ટ્રેન્ડ જાેઈને ગુજરાતી ફિલ્મોના ડિસ્ટ્રીબ્યૂટરોમાં પણ આનંદની લાગણી છે. રાજ્યમાં ગુજરાતી ફિલ્મોના જાણીતા ડિસ્ટ્રીબ્યૂટર વંદન શાહે જણાવ્યું, “બોલિવુડની ફિલ્મો નિષ્ફળ જઈ રહી છે તે એક પ્રકારે ગુજરાતી ફિલ્મો માટે આશીર્વાદ સમાન છે. છેલ્લા છ મહિનામાં જેટલી પણ ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ છે તેણે બોક્સઓફિસ પર સારો વકરો કર્યો છે અને અમને અપેક્ષા છે કે દિવાળીની સીઝન પણ અમારા માટે સારી રહેશે.”

મહામારી પછી સ્થિતિ સામાન્ય થઈ ત્યારે ઢોલિવુડે ધીમી શરૂઆત કરી હતી પરંતુ હવે લાગી રહ્યું છે કે, દમદાર રિકવરી થઈ છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો બિઝનેસ સુધર્યો છે ત્યારે તેમને આશા છે કે, આગામી સમયમાં હજી પણ વેગ મળશે.
એક્ટર યશ સોનીની બેક-ટુ-બેક ત્રણ ફિલ્મો રિલીઝ થઈ છે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી જે ગતિએ કમાણી કરી રહી છે તે જાેઈને તે ખુશ છે. તેણે કહ્યું, “અમારી ઈન્ડસ્ટ્રી માટે છેલ્લા થોડા મહિના ખરેખર સારા રહ્યા છે અને ફિલ્મોએ સારી કમાણી કરી છે. બોલિવુડ કરતાં પણ અમારી ફિલ્મો સારું કમાઈ છે. આ ખૂબ સારા સંકેત છે. મહામારી દરમિયાન ઈન્ડસ્ટ્રીએ ખાસ્સું નુકસાન વેઠ્‌યું છે. અમારી ઈન્ડસ્ટ્રીનો દારોમદાર માત્ર બોક્સઓફિસ પર છે ત્યારે ફિલ્મોની સારી કમાણી સરસ સંકેત છે.”


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.