તેલુગુ કોરિયોગ્રાફર રાકેશ માસ્ટરનું 53 વર્ષની વયે નિધન
પ્રખ્યાત તેલુગુ કોરિયોગ્રાફર રાકેશ માસ્ટરનું 53 વર્ષની વયે અવસાન થયું છે. મળતી માહિતી પ્રમાણે તેલુગુ ફિલ્મ ઉદ્યોગની પ્રખ્યાત હસ્તી રાકેશ એક અઠવાડિયા પહેલા વિશાખાપટ્ટનમમાં આઉટડોર શૂટિંગ કરીને હૈદરાબાદ પરત ફર્યા હતા અને બીમાર પડ્યા હતા. જ્યારે તેમની તબિયત વધુ ખરાબ થઈ ત્યારે તેમને હૈદરાબાદની ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ડૉક્ટરોના તમામ પ્રયાસો છતાં તેમને બચાવી શકાયા ન હતા.
ડોક્ટરોના જણાવ્યા અનુસાર રાકેશના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. રાકેશે રવિવારે સાંજે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ડાયાબિટીસ અને ગંભીર મેટાબોલિક એસિડિસિસથી પીડાતા હતા. તેમના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
રાકેશ માસ્ટરના મૃત્યુના સમાચારથી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર મચી ગઈ છે. કોરિયોગ્રાફરના નિધન પર તમામ સેલેબ્સ અને ફેન્સે શોક વ્યક્ત કર્યો છે.
સ્વર્ગસ્થ કોરિયોગ્રાફર રાકેશ માસ્ટરે ‘આતા’ અને ‘ધી’ જેવા ડાન્સ રિયાલિટી શોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી. તેમણે લગભગ 1,500 ફિલ્મો માટે કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું અને ઘણા હિટ ગીતો આપ્યા હતા.