સવારે ટેબલ પર અલગ અલગ પ્રકારના પરાઠા પડેલા હોતા હતા

ફિલ્મી દુનિયા

મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી કાજોલે ઈન્ડસ્ટ્રીમાં ૩૦ વર્ષ પૂરા કર્યા છે. પરંતુ અત્યારે તે પોતાની અપકમિંગ ફિલ્મ સલામ વેક્નીને કારણે ખૂબ ચર્ચામાં છે. કાજોલ વિવિધ રિયાલિટી શૉ પર ફિલ્મને પ્રમોટ કરવા જઈ રહી છે. આ સિવાય તે બેક ટુ બેક ઈન્ટર્વ્યુ પણ આપી રહી છે. તેની સાથે ફિલ્મ ડિરેક્ટર રેવતી પણ હોય છે અને કો-સ્ટાર વિશાલ જેઠવા પણ હોય છે. પરંતુ કાજોલ પોતાના મજાકિયા અને વાતોડિયા સ્વભાવને કારણે ઓળખાય છે. માટે કાજોલ દ્વારા કહેવામાં આવેલી વાતોની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થાય છે. તે ફિલ્મની સાથે સાથે પોતાના જીવનને લગતા પણ રસપ્રદ ખુલાસા કરતી હોય છે.

તાજેતરમાં જ એક ઈન્ટર્વ્યુમાં તેણે પોતાની ખાણીપીણી વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું કે તેના ગયા પછી દેવગણ પરિવારમાં માછલી ખાવાનું ચલણ વધ્યું છે. આ સિવાય તેણે લગ્ન પછી વધી ગયેલા પોતાના વજન વિશે પણ વાત કરી હતી. તમને જણાવી દઈએ કે, ૨૪ ફેબ્રુઆરી, ૧૯૯૯ના રોજ કાજોલ અને અજય દેવગણે લગ્ન કર્યા હતા. તેમણે ઘરના ધાબા પર જ સાદગીમાં લગ્ન કર્યા હતા. કાજોલને સાસુ વીણા દેવગન સાથે ઘણો સારો બોન્ડ છે. કાજોલે એક વાતચીત દરમિયાન જણાવ્યું કે, લગ્નના બે મહિનામાં મારું વજન ૮ કિલો વધી ગયુ હતું. દરરોજ સવારે અમારી સામે ટેબલ પર અલગ અલગ પ્રકારના પરાઠા પડેલા હોતા હતા. પનીર પરાઠા, ગોબી પરાઠા, પનીર ગોબી પરાઠા, કાચા બટેટાના પરાઠા, બાફેલા બટેટાના પરાઠા. અને સાથે જ સફેદ માખણ પણ મૂકવામાં આવતુ હતું.

તે સમયે તો ડાયટિંગ વિશે કોઈ જ જાણકારી નહોતી. મને ડાયટિંગનો ડ પણ નહોતો ખબર. આ સિવાય તેણે કરચલા ખાવાના શોખ વિશે પણ વાત કરી. કાજોલે જણાવ્યું કે, ઘરે હું અને મારા સાસુ શોખથી મચ્છી ખાઈએ છીએ. મહિનામાં એક વાર ક્રેબ પણ મંગાવીએ છીએ. તેના માટે પૂરતો સમય જોઈએ. ક્રેબ ખાવા માટે નિરાંતે બેસવુ પડે છે તમારે. આ સિવાય જ્યારે હાથથી જમવાની વાત નીકળી તો કાજોલે કહ્યું કે હાથથી ખાવાનો સ્વાદ જ અલગ હોય છે. તમને અલગ જ પ્રકારનો અનુભવ થાય છે. આટલુ જ નહીં, કાજોલના કો-સ્ટાર વિશાલ જેઠવાએ જણાવ્યું કે તે પોતાના ઘરેથી કાજોલ માટે ટિફિન લઈને આવ્યો હતો.

કાજોલે કહ્યું કે જ્યારે મને ખબર પડી કે વિશાલ ગુજરાતી છે તો મેં તેને કહ્યું કે તારે અમારા માટે કેરીનો રસ, લાડવા વગેરે લાવવું જોઈએ. અને તેના મમ્મીએ એટલા સરસ લાડવા મોકલ્યા હતા. કેરીનો રસ પણ મજાનો હતો. ત્યારપછી વિશાલે કહ્યું કે, કાજોલ મેમ પછી બદલામાં મારા માટે પાલક પનીર લઈને આવ્યા હતા. ગુજરાતીમાં આને અમે વાટકી વ્યવહાર કહીએ છીએ. કાજોલ સલામ વેક્ની ફિલ્મમાં વિશાલ જેઠવાના પાત્રની માતાના રોલમાં જોવા મળશે. ફિલ્મ ૯ ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થવાની છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.