‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત મોદી સહિત 3 સામે FIR, જાતીય સતામણીનો આરોપ

ફિલ્મી દુનિયા

મુંબઈ પોલીસે સોમવારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત મોદી વિરુદ્ધ જાતીય સતામણીના આરોપમાં FIR નોંધી છે. તેની સાથે શોના અન્ય બે લોકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. અસિત મોદી છેલ્લા કેટલાક સમયથી જાતીય શોષણના આરોપોનો સામનો કરી રહ્યા છે. એક અભિનેત્રીએ તેની સામે FIR નોંધાવી છે. અભિનેત્રીએ શોના ઓપરેશન હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ સામે પણ ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે કેસ નોંધ્યો હતો.  શોમાં ‘રોશનસિંહ સોઢી’ની પત્નીની ભૂમિકા નિભાવનાર ‘રોશનભાભી એટલે કે મિસિસ સોઢી’ ઉર્ફે જેનિફર મિસ્ત્રીએ અસિત મોદી પર જાતીય સતામણીના ગંભીર આરોપો લગાવ્યા હતા.

ગત મહિને એક્ટ્રેસે સેટ પર કથિત જાતીય સતામણી માટે અસિત મોદી, સોહેલ રમાની અને જતિન બજાજ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે તેમનું નિવેદન પણ નોંધ્યુ હતું. ભારતીય દંડ સંહિતાની કલમ 354 અને 509 હેઠળ FIR નોંધવામાં આવી છે.

એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ જણાવ્યું હતું કે, અસિત મોદી દ્વારા તે જાતીય સતામણીનો ભોગ બની હતી. શરૂઆતમાં તેણે નોકરી ગુમાવવાના ડરથી તેની અવગણના કરી હતી પરંતુ હવે તે સહન કરશે નહીં. અભિનેત્રીએ અસિત મોદીને હાથ જોડીને માફી માંગવાની માંગ કરી હતી. અભિનેત્રીએ કહ્યું કે, ‘સૌથી મહત્વની બાબત એ છે કે હું આ પૈસા માટે નથી કરી રહી. હું માત્ર સત્ય અને વિજય માટે જ કરી રહી છું. તેમણે સ્વીકારવું પડશે કે તેણે મારી સાથે ખોટું કર્યું છે અને હાથ જોડીને માફી માંગવી પડશે. તે મારી પ્રતિષ્ઠા અને સ્વાભિમાનનો પ્રશ્ન છે.

બીજી તરફ અસિત મોદીએ આ આરોપોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે તે અભિનેત્રી સામે કાયદાકીય કાર્યવાહી કરશે. તે તેને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. શોમાંથી બહાર કરવાના કારણે તે આવા આરોપો લગાવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.