ખેડૂત આંદોલનમાં દિલજીત દોસાંજે ખેડૂતોને ઠંડીથી બચાવવા એક કરોડ રૂપિયાનું દાન કર્યું
પંજાબી સિંગર તથા એક્ટર દિલજીત દોસાંજ શનિવાર, 5 ડિસેમ્બરના રોજ ખેડૂતના સમર્થનમાં સિંધુ બોર્ડર આવ્યો હતો. તે ખેડૂત આંદોલનને શક્ય તેટલી રીતે મદદ કરી રહ્યો છે. હવે દિલજીતે દિલ્હીમાં આંદોલન કરતાં ખેડૂતોને શિયાળાની ઠંડીથી બચાવવા માટે એક કરોડ રૂપિયાનું દાન કર્યું છે. આ પૈસાથી ખેડૂતો માટે ગરમ કપડાં તથા ધાબળા ખરીદવામાં આવશે.
આ વાત પંજાબી સિંગર સિંધાએ પોતાના સોશિયલ મીડિયામાં એક વીડિયો મેસેજ શૅર કરીને કરી હતી. આ મેસેજમાં સિંગરે દિલજીતે એક કરોડ રૂપિયાના દાન બદલ અને ખેડૂતોના સમર્થન માટે આભાર માન્યો હતો. દિલજીત શરૂઆતથી જ ખેડૂત આંદોલનને સપોર્ટ કરી રહ્યો છે. તેણે સોશિયલ મીડિયામાં આ અંગેની અનેક પોસ્ટ શૅર કરી છે. તેણે કેન્દ્ર સરકારને ખેડૂતોની માગણીઓ પૂરી કરવાની વાત કરી છે.
દિલજીતની અનેક તસવીરો તથા વીડિયો પણ સિંધુ બોર્ડરથી વાઈરલ થઈ છે, જેમાં તે ખેડૂતોની વચ્ચે બેઠેલો જોવા મળે છે. આ ઉપરાંત દિલજીતે સ્ટેજ પર ઊભા રહીને ખેડૂતોનું સમર્થન કરવાની વાત કહી હતી. તેણે કહ્યું હતું, ‘અમે કેન્દ્ર સરકારને માત્ર એક જ અપીલ કરીએ છીએ કે પ્લીઝ ખેડૂતોની માગણીઓ પૂરી કરવામાં આવે. અહીંયા તમામ લોકો શાંતિપૂર્વ બેસીને આંદોલન કરે છે. કોઈ હિંસા થતી નથી. આખો દેશ ખેડૂતોની સાથે છે.’
વધુમાં દિલજીતે ખેડૂતોના વખાણ કર્યાં હતાં અને કહ્યું હતું, ‘તમને તમામને સલામ, ખેડૂતોએ એક નવો ઈતિહાસ રચ્યો છે. આ ઈતિહાસ આગામી પેઢીને કહેવામાં આવશે. ખેડૂતોના મુદ્દાને અવગણી શકાય નહીં.’ દિલજીતની આ સ્પીચ વાઈરલ થઈ છે.