![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/12/Rakhewal-133.jpg)
અપૂર્વ અને શિલ્પાને દીકરી દત્તક લીધાનો સંતોષ
મુંબઈ, ટેલિવુડ કપલ શિલ્પા સકલાની અને અપૂર્વ અગ્નિહોત્રી લગ્નના ૧૮ વર્ષ બાદ માતાપિતા બન્યા છે. શિલ્પા અને અપૂર્વએ દીકરીને દત્તક લીધી છે. કપલે શનિવારે સોશિયલ મીડિયા પર દીકરી સાથેની સુંદર તસવીરો શેર કરીને માતાપિતા બન્યા હોવાની જાહેરાત કરી હતી. શિલ્પાએ કહ્યું, મેં હંમેશાથી લગ્ન કરીને દીકરીની માતા બનવાનું સપનું સેવ્યું હતું. અમે પેરેન્ટ્સ બનવા માટે ૧૮ વર્ષ રાહ જોઈ. અમે લાંબા સમય પહેલા જ માતાપિતા બની જવા માગતા હતા પરંતુ મોડું થઈ ગયું.
જોકે, અમે આજે ખુશ છીએ. અમારી પેરેન્ટિંગ ડયૂટી શરૂ થઈ ગઈ છે. રાત્રે ઉઠવું અને રડતી દીકરીને શાંત રાખીને ફરી ઊંઘાડવાના આ તબક્કાને અમે માણી રહ્યા છીએ. અમે તેનું નામ ઈશાની પાડયું છે કારણકે તે મા દુર્ગા અને મા પાર્વતીનું જ અન્ય એક નામ છે. અમે ઈશ્વરની કૃપા અનુભવી રહ્યા છીએ. અપૂર્વએ જણાવ્યું, ઈશાનીનો જન્મ ૧૪ ઓક્ટોબરે થયો છે અને તેણી અમારા માટે ઈશ્વરના આશીર્વાદ છે. છેલ્લા ૧૮ વર્ષથી અમે એકબીજા સાથે ખૂબ ખુશ હતા પરંતુ દિલના ઊંડે ખૂણે અમારા મનમાં માતાપિતા બનવાની ઈચ્છા હતી. લાંબા ઈંતેજાર પછી અમારું સપનું સાકાર થયું છે.
અપૂર્વને પોતાનો આ નવો રોલ ખૂબ પસંદ આવી રહ્યો છે અને તે સફતાપૂર્વક પોતાની ડેડી ડયૂટી નિભાવી રહ્યો છે. તેણે આગળ કહ્યું, ઈશાની સહેજ પણ વિતાડતી નથી. મને તેને ખવડાવવું અને ઓડકાર ખવડાવવો ખૂબ ગમે છે. મને લાગે છે કે જે-તે વસ્તુ જ્યારે થવાની લખી હોય ત્યારે જ થાય છે. ૨૦૨૨ ખૂબ સારું વર્ષ રહ્યું કારણકે હવે અમે ત્રણ થઈ ગયા છીએ.
ઈશાની સશક્ત યુવતી બને અને તેના પિતાની જેમ એડવેન્ચર સ્પોર્ટ્સમાં આગળ વધે તેવું ઈચ્છું છું (હસે છે). શિલ્પા અને અપૂર્વ દીકરી સાથેની દરેક ક્ષણને મન ભરીને માણી રહ્યા છે. તેમણે કહ્યું, *અમારા પર ઈશ્વરની કૃપા છે. ઈશ્વરે અમને જે કંઈપણ આપ્યું છે તેના માટે અમે હંમેશા તેમના આભારી રહ્યા છીએ અને હવે તે બમણું થઈ ગયું છે.