ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા અન્નુ કપૂર
મુંબઈ, બોલિવૂડના દિગ્ગજ એક્ટર અન્નુ કપૂર ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા છે. તેઓ પાસે એક મોટી પ્રાઈવેટ બેંકના કેવાયસીના નામે માહિતી માગવામાં આવી અને પછી એક્ટર અન્નુ કપૂર સાથે રૂપિયા ૪ લાખની છેતરપિંડી થઈ. અન્નુ કપૂરને આ છેતરપિંડી અંગે સમયસર જાણ થતાં તેમણે પોલીસમાં ફરિયાદ કરી અને મોટી રકમ પરત મળી ગઈ. રિપોર્ટ્સમાં જણાવ્યા મુજબ, પોલીસની તાત્કાલિક કાર્યવાહીના કારણે અન્નુ કપૂરને રૂપિયા ૩ લાખ પરત મળી ગયા છે.
મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, અન્નુ કપૂરને ગુરુવારે એક વ્યક્તિનો ફોન આવ્યો કે જેણે બેંક કર્મચારી તરીકેની ઓળખ આપી. તેણે અન્નુ કપૂરને કહ્યું કે અમે તમારું કેવાયસી અપડેટ કરવા માગીએ છીએ.
ત્યારબાદ એક્ટર અન્નુ કપૂરે તે વ્યક્તિ સાથે પોતાના બેંક અકાઉન્ટની માહિતી અને વન ટાઈમ પાસવર્ડ (ઓટીપી) શેર કર્યો. જેની થોડી વાર પછી અન્નુ કપૂરના અકાઉન્ટમાંથી ૪ લાખ રૂપિયા ૨ અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા. ત્યારબાદ બેંકે તાત્કાલિક તેઓને ફોન કર્યો અને તેમનું અકાઉન્ટ ફ્રીઝ (સ્થગિત) કરવામાં આવ્યું.
ત્યારબાદ એક્ટર અન્નુ કપૂરે તાત્કાલિક પોલીસ અને બેંકનો સંપર્ક કર્યો. પછી જે અકાઉન્ટ્સમાં તેમના પૈસા ગયા હતા તેમનો સંપર્ક કરવામાં આવ્યો. પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું કે, જે ૨ અકાઉન્ટ્સમાં અન્નુ કપૂરના પૈસા ટ્રાન્સફર થયા હતા તેને તાત્કાલિક બેંકે સ્થગિત કરી દીધા અને અન્નુ કપૂરને ૩ લાખ રૂપિયા પરત મળી ગયા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ મામલે એક્ટર અન્નુ કપૂર તરફથી ઈન્ડિયન પીનલ કોડ અને આઈટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એક્ટર અન્નુ કપૂર સાથે છેતરપિંડી કરનાર લોકોની ધરપકડ કરવાના પોલીસ પ્રયાસ કરી રહી છે. ષ્ઠ