દીકરીના જન્મના મહિના બાદ ફરી ફિટનેસ તરફ વળી આલિયા
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર નવેમ્બર મહિનામાં દીકરીના પેરેન્ટ્સ બન્યા છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દીકરી રાહાનો જન્મ ૬ નવેમ્બર ૨૦૨૨ના રોજ થયો છે. રાહાના જન્મને એક મહિનો થયો છે ત્યારે આલિયા ભટ્ટે ફરીથી પોતાની ફિટનેસ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. થોડા દિવસ પહેલા જ આલિયા ભટ્ટ જ્યારે પોતાની બહેન શાહીનની બર્થ ડે પાર્ટીમાં જોવા મળી હતી ત્યારે તેના ફિટ લૂકને જોઈને ફેન્સ પ્રભાવિત થયા હતા.
બુધવારે મુંબઈમાં એક યોગ સેન્ટરની બહાર આલિયા ભટ્ટ જોવા મળી હતી. તેણે બ્લેક રંગનો એથ્લેઝર અને હૂડી પહેર્યા હતા. યોગ સેન્ટરમાંથી બહાર નીકળતી વખતે તેણે મીડિયાના ફોટોગ્રાફર્સનું અભિવાદન કર્યું હતું અને તરત જ પોતાની કારમાં બેસી ગઈ હતી. રણબીર અને આલિયાએ હજી દીકરીનો ચહેરો દુનિયાને બતાવ્યો નથી ત્યારે ફેન્સ તો રાહાને જોવા માટે અધીરા થઈ રહ્યા છે.
થોડા દિવસ પહેલા જ આલિયા ભટ્ટે દીકરી રાહાની થોડીક ઝલક દેખાડવાની સાથે તેના નામનો ખુલાસો કર્યો હતો. આલિયા ભટ્ટે દીકરીનું નામ જણાવવાની સાથે આ તેનાં દાદી નીતૂ કપૂરે સૂચવ્યું હોવાનું પણ કહ્યું હતું. આલિયાએ દીકરીના નામના વિવિધ અર્થ પણ શેર કર્યા હતા.
હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં આલિયાએ કહ્યું કે, હવે દીકરીનો જન્મ થઈ ગયો છે ત્યારે તે કેવા પ્રકારના રોલ પસંદ કરશે અને ફિલ્મો કરશે તે અંગે વિચારી રહી છે. વર્કફ્રંટની વાત કરીએ તો, આલિયા ભટ્ટ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે રણવીર સિંહ, જયા બચ્ચન, ધર્મેન્દ્ર અને શબાના આઝમી જોવા મળશે. આ સિવાય આલિયા પાસે ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’ પણ છે. જેમાં તેની સાથે પ્રિયંકા ચોપરા અને કેટરિના કૈફ જોવા મળશે. આલિયા ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’ થકી હોલિવુડમાં પણ ડેબ્યૂ કરવાની છે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે.