વિજાપુર તાલુકાના ખણુંસા ગામે પ્લોટના વિવાદ અને ઉછીના નાણાંની લેતીદેતી મામલે એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે સામસામે હથિયારો ઉછળતા ગામમાં ચકચાર મચી ગઈ છે. લોખંડની પાઇપ, ધારીયા અને લાકડાના ધોકા વડે થયેલી આ અથડામણમાં એક વ્યક્તિનો અંગૂઠો કપાઈ ગયો છે. જ્યારે અન્ય અનેક લોકોને ફેક્ચર સહિતની ગંભીર ઇજાઓ પહોંચતા વિજાપુર અને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પ્રથમ પક્ષના મહેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ દેવીપૂજકે નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમણે ગામના જ અનિલભાઈ વાઘેલા પાસેથી 50 હજાર રૂપિયા ઉછીના લીધા હતા. જે નાણાં પરત ન આપી શકતા અનિલભાઈએ મહેન્દ્રભાઈના પ્લોટ પર મકાન બાંધવાનું શરૂ કર્યું હતું. આ વિવાદમાં ગત રોજ જૂના ઝઘડાની અદાવતમાં જીતેન્દ્ર કસ્તુરભાઈ સહિતના શખ્સોએ ધારીયા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. જેમાં મહેન્દ્રભાઈને જમણા હાથે ધારીયું વાગતા તેમનો અંગૂઠો કપાઈ ગયો હતો. જ્યારે પરિવારના અન્ય સભ્યો બળદેવભાઈ, સુનિલભાઈ અને સુરેખાબેનને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેથી તેઓએ વિજાપુર પોલીસ મથકમાં ,જીતેન્દ્રભાઇ કસ્તુરભાઈ દેવીપૂજક,અનિલભાઇ કસ્તુરભાઈ દેવીપૂજક,ઘનશ્યામભાઈ જીતેન્દ્રભાઈ દેવીપૂજક,કસ્તુરભાઈ હીરાભાઈ દેવીપૂજક સામે ફરિયાદ નોંધાવી છે.
પ્લોટ પર બાંધકામ શરૂ કરતા ઝઘડો થયો ત્યારે સામે પક્ષે અનિલભાઈ કસ્તુરભાઈ વાઘેલાએ પણ મહેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ સહિતના ચાર શખ્સો સામે વળતી ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, ત્રણ વર્ષ અગાઉ તેમણે મહેન્દ્રભાઈ પાસેથી પ્લોટ વેચાણથી લીધો હતો, જેના પર બાંધકામ શરૂ કરતા મહેન્દ્રભાઈ અને તેમના સાથીદારોએ કામ બંધ કરાવી ઝઘડો કર્યો હતો. હુમલા દરમિયાન મનુભાઈ લક્ષ્મણભાઈએ અનિલભાઈના ભત્રીજાને માથામાં ધોકો માર્યો હતો, જ્યારે અન્ય શખ્સોએ લોખંડની પાઇપ અને ઉંધા ધારીયા વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
આ હિંસક અથડામણ બાદ ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર અર્થે ખસેડાયા હતા. વિજાપુર પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગામમાં ફરી આવી કોઈ ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. હાલમાં તેઓએ સુનિલભાઈ મનુભાઈ દેવીપૂજક, મહેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ દેવીપૂજક,મનુભાઈ લક્ષ્મણભાઈ દેવીપૂજક,બળદેવભાઈ લક્ષ્મણભાઇ દેવીપૂજક,વિનુભાઈ રમણભાઈ દેવીપૂજક સામે ફરિયાદ નોંધાવી છે

