ચીનના ઉત્તરી પ્રાંત હેબેઈના એક માર્કેટમાં ભીષણ આગ લાગવાથી 8 લોકો જીવતા દાઝી ગયા છે. જ્યારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આગ એટલી ભયાનક હતી કે થોડી જ વારમાં ધુમાડાના કાળા વાદળો આખા શહેરને ઢાંકી દીધા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના ચીનના એક શાકભાજી માર્કેટમાં થઈ હતી, જ્યાં આગ લાગવાને કારણે 8 લોકોના મોત થયા હતા અને 15 લોકો ઘાયલ થયા હતા. ચીનના મીડિયામાં આ જાણકારી આપવામાં આવી છે.
ચીની મીડિયાએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે ઝાંગજિયાકોઉ શહેરમાં આગ લાગી હતી. સવારે આગ લાગવાની માહિતી મળી હતી. લગભગ એકાદ કલાક બાદ ઘણી જહેમત બાદ તેને બુઝાવવામાં આવી હતી. હવે આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે. ચીનમાં અન્ય મીડિયા દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વિડિયોમાં શહેરના કિયાઓક્સી જિલ્લાના એક બજાર પર ધુમાડાના કાળા ગોટેગોટા તેમજ મોટી જ્વાળાઓ જોવા મળી હતી.